હાલ સુરતમાં કોરોનાનો કહેર એટલો વધ્યો છે કે, અહીં અંતિમસંસ્કાર માટે બનાવાયેલી ચિતાની લોખંડની ગ્રિલ અને ચીમની પણ ગરમીથી પીગળી ગઈ છે. આ કારણે ત્યાં લાગેલી પાઈપલાઈનનું રિપેરિંગ કરાવવું પડ્યું હતું. અહીં કુલ ત્રણ સ્મશાનગૃહ છે, જેમાં રામનાથ ઘેલા, અશ્વિનીકુમાર અને જહાંગીરપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્મશાનમાં સતત 24 કલાક મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી રહી છે. અહીં છેલ્લા દસ દિવસથી સરકારી શબવાહિનીઓ તેમજ ખાનગી વાહનોમાં પણ સતત મૃતદેહો લવાઈ રહ્યા છે. સુરતમાં સોમવારે પણ 18 લોકોનાં મોત થયાં છે.
આ ઉપરાંત સુરતના ઉમરા સ્મશાનમાં મૃતદેહોની લાઈનો લાગી છે. ઉમરામાં સતત મૃતદેહની સંખ્યા વધી રહી છે જેના કારણે ભઠ્ઠી બગડી ગઈ હતી. મૃતદેહ સળગાવવાના કારણે ગેસની બે સગડીને નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ, 4 માંથી 2 ભઠ્ઠી બંધ થતાં મુશ્કેલી વધી ગઈ છે. બીજી તરફ મૃતદેહ માટે એમ્બ્યુલન્સની પણ અછત સર્જાઈ રહી છે. આ દરમિયાન સ્મશાન ગૃહ સુધી મૃતદેહ લાવવા માટે ખાનગી વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં કોરોનાના કેસો બુલેટની ગતીએ વધી રહ્યા છે. જેને લઈને હોસ્પિટલો ફૂલ થઇ ગઈ છે. દર્દીઓને દાખલ કરવા માટે લાંબુ વેઈટીંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત તેની સામે મોતના આંકડા પણ સતત વધી રહ્યાં છે. એવું લાગે છે કે જાણે લોકો કોરોના સામેની જંગ હારી રહ્યા છે. જેને કારણે સ્મશાનોની બહાર પણ અંતિમક્રિયા માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. હવે તો લોકોને અંતિમ ક્રિયા માટે પણ ટોકન લેવાની નોબત આવી છે. જેના કારણે સતત 24 કલાક સ્મશાન ગૃહ ચાલી રહ્યા છે.
દરેક સ્મશાનગૃહમાં મૃતકની અંતિમવિધિ માટે કલાકો સુધી પરિવારજનોએ લાઈન લગાવી વેઈટિંગ કરવા મજબૂર બન્યા છે. સુરતની આવી ભયાનક સ્થિતિને કારણે શહેરમાં 14 વર્ષથી બંધ પડેલું સ્મશાન પણ ફરી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં એકસાથે 50 મૃતદેહનો અંતિમસંસ્કાર થાય એવું આયોજન કરવામાં આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, સુરતની આવી સ્થિતિ બાદ સુરત મ્યુનિ. તંત્ર પાલ ખાતેની 2006થી બંધ પડેલી સ્મશાનભૂમિને ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય કર્યો છે. પાલિકાના માજી કોર્પોરેટર અને સ્મશાનના ટ્રસ્ટી પી.એમ. પટેલ, અડાજણના માજી કોર્પોરેટર પી. એમ. પટેલ તથા હાલના કોર્પોરેટર નિલેશ પટેલ અને ભાજપના માજી પ્રમુખ નીતિન ભજિયાંવાલા દ્વારા તાત્કાલિક બંધ થયેલી સ્મશાનભૂમિ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
લાશના ઢગલા થતા ઉમરા સ્મશાન ટ્રસ્ટી દ્વારા બે ગેસની ભઠ્ઠીમાં બિન કોવિડથી મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી. તે ભઠ્ઠીમાં કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે અને બિન કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા માટે સ્મશાનની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં બનાવામાં આવેલા સ્મશાનમાં એક સાથે 15થી 20 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી શકે તેવું સ્મશાન ઉભું થવા પામ્યું છે. જાણવા મળ્યું છે કે, એક ટેક્નીકલ ટિમ દ્વારા આ ભઠ્ઠીનું મેન્ટેન્સ ચાલુ કરવામાં આવ્યુ છે. ગણતરીના કલાકોમાં આ ભઠ્ઠી ફરી શરુ થઇ જાય તેવી શક્યતા રામનાથ ઘેલા સ્મશાનના ટ્રસ્ટી, હરીશ ઉમરીગર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.