વાહ રે વાહ! નાગરિકોને ગરબા રમવા હોય તો વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત અને નેતાઓ ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાડે

ગુજરાત (Gujarat) નાં મોટાંભાગના શહેરો (Cities) માં વેક્સિનેશન અભિયાન (Vaccination campaign) પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે હવે શહેરોમાં જાહેર સ્થળો (Public places), પર્યટન સ્થળો (Tourist destinations), બાગ-બગીચા (Gardens), હોટલ-રેસ્ટોરન્ટ (Hotel-restaurant) માં આવતા લોકોને વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે.

સરકારે નવરાત્રિમાં ગરબા રમવા માટે પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે પણ  રાજકીય કાર્યક્રમોમાં વેક્સિનેશનના સર્ટિફિકેટને કેમ ફરજિયાતપણે કરવામાં આવ્યું નથી. શું સરકારની આ SOP ફક્ત સામાન્ય નાગરિકો માટે જ છે? રાજકીય પક્ષોના કાર્યકરોને સરકારની આ SOP લાગુ નથી પડતી? આવા પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્થાને રહેલા છે.

વેક્સિન સર્ટિફિકેટ રાજકીય કાર્યક્રમોમાં કેમ ફરજિયાત નથી?
સરકાર દ્વારા નાગરિકોને ફરજિયાત રસી લેવા માટેની અપીલ કરવામાં આવી છે તેમજ જાહેર સ્થળો, પર્યટન સ્થળો, બાગ-બગીચા, હોટલ-રેસ્ટોરાં તથા સરકારી કચેરીઓમાં જતા લોકોની પાસેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે.

જો આ સર્ટિફિકેટ હોય તો જ તેમને પ્રવેશ મળશે અંબે જો ન હોય તો તેમને પ્રવેશ મળશે નહીં પણ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પહેલાં થયેલા પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા.

સામાન્ય વેપારીને દંડ પણ રાજકારણીઓને નહીં!
જો એક નાનો એવો વેપારી પોતાની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ ન જાળવે તો તંત્ર તેને મસમોટી રકમનો દંડ ફટકારતી હોય છે જયારે માર્ગ પર ફરતો એક સામાન્ય માણસ જો માસ્ક સહેજ નાકની નીચે પહેરે તોપણ તેને દંડ ફટકારતા હોય છે પણ રાજકીય રેલીઓમાં ઊમટી પડતા સેંકડો લોકો ઘણીવાર નિયમોના ભંગ કરે તો તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવાતા નથી.

ભાજપના 20 કિમીના રોડ શોમાં સરેઆમ નિયમોનો ઉલાળિયો:
ભાજપે ગાંધીનગરમાં ચૂંટણીપ્રચારમાં શક્તિપ્રદર્શન કર્યું હતું કે, જેમાં પેથાપુરથી કુડાસણ સુધીનો કુલ 20 કિમી લાંબા રોડ શોમાં CM ભૂપેન્દ્ર પટેલ તથા CR પાટીલ જોડાયા હતા. રાજ્યમાં ભાજપની સરકાર તથા ભાજપના જ CMની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

20 કિલો મીટર લાંબા રોડ શોમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ ન હતું. કોઈપણ કાર્યકરે માસ્ક પણ પહેર્યું ન હતું એમ છતાં પણ તંત્ર તથા પોલીસ દ્વારા આ કાર્યકરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે હવે આગળ જોઈએ કે, કાર્યવાહી થાય છે કે નેતાઓનું રાજ ચાલે!

રાજકારણીઓ જ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે:
કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે ખાટલા ખૂટી પડ્યા હતા ત્યારે ઓક્સિજનની અછત ઊભી થઈ હતી. રેમડેસિવિર તથા ટોસિલિઝુમેબ નામના ઈન્જેક્શનની અછતને લીધે કાળાબજારી શરૂ થઈ હતી. આટલી હદે દર્દીઓનાં મોત થઈ રહ્યા હતાં કે, સ્મશાનમાં લાકડાં પણ ખૂટી પડ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *