“ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર મહેસૂલ ખાતામાં થાય છે જે બાદ ભ્રષ્ટાચાર બાબતે બીજા નંબર પર પોલીસ ખાતું છે.” આ મોટુ નિવેદન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું છે.
રૂપાણીએ સ્વીકાર્યું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, “બધાને ખબર હોય છે કે ભ્રષ્ટાચાર ક્યાં છે. આપણે ત્યાં સૌથી વધુ વધારે બદનામ ખાતુ એટલે મહેસુલ ખાતુ અને બીજા નંબર પર પોલીસ ખાતું છે.” ગાંધીનગર ખાતે નોન એગ્રીકલચર સર્ટિફિકેટના ઓનલાઇન વિતરણ સમયે તેમણે સભા સંબોધતા આ નિવેદન આપ્યું.
નવા નિયમો કરાયા લાગુ
આ ઉપરાંત વિજય રૂપાણીએ કહ્યું કે, “સત્તા એ તમને ભ્રષ્ટ બનાવે છે અને પૂર્ણ સત્તા પૂર્ણ ભ્રષ્ટ બનાવે છે. પરંતુ અમારી સરકારી એવી પ્રણાલીને લાગુ કરી ભ્રષ્ટાચારને જડમૂળથી નાબુદ કરવાનો પ્રયાસ કરી રહી છે જ્યાં મંજૂરી અને પ્રમાણપત્ર ઓનલાઇન મળી શકે.
આ વર્ષના નવેમ્બરથી રાજ્યના મહેસુલ વિભાગમાં એવા નિયમો લાગુ કરાયા જેનાથી જમીન માલિકો પોતાની જમીનને નોન એગ્રીકલ્ચર જમીનમાં ફેરવવા માટે ઓનલાઇન અરજી આપી શકે છે.”
આજે સ્થિતિ વિપરીત
વિજય રૂપાણીએ કહ્યું કે, “પહેલા એવા દિવસો હતા જ્યારે સરકારી કર્મચારી થોડા નૈતિકતાના આધારે અને થોડા ડરથી લાંચ લઇ કામ કરતા હતા. પરંતુ આજે સ્થિતિ પૂરા 360 ડિગ્રીની રીતે બદલાઇ ગઇ છે. સરકારી કર્મચારી કોઇ પણ પ્રકારના કચવાટ વગર લાંચ માંગી લે છે અને બાદમાં દાવો કરે છે કે તેમણે પરિવારનું ગુજરાન ચલાવવાનું છે.”
ઓનલાઇનથી ઘટશે ભ્રષ્ટાચાર?
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, “ઓનલાઇન પ્રમાણપત્ર તેમજ મંજૂરીની સિસ્ટમ લાવવાથી જ આ ભ્રષ્ટાચાર ઘટશે. આપણે તે જોવાની જરૂર છે કે કોઇ વ્યક્તિ પોતાની સત્તાનો દુરૂપયોગ ન કરે. અમે એવી સિસ્ટમ લાવવાની દિશામાં કામ કરી રહ્યા છે જેનાથી કામમાં પારદર્શકતા આવે અને સારા કામની પ્રશંસા થાય.”
શું છે રૂપાણી સરકારનો હેતુ?
“આવનારા પાંચ વર્ષમાં અમારુ લક્ષ્ય છે કે અમે એવી સિસ્ટમ લાગુ કરીએ જેનાથી લોકોને દરેક પ્રકારની મંજૂરી, બર્થ સર્ટિફિકેટ કે ડેથ સર્ટિફિકેટ ઓનલાઇન અરજી કરવાથી જ મળી રહે” તેમ મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું.