ભરૂચના ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પેકેજિંગ એન્ડ આશાપુરા ટ્રેડિંગ કંપનીમાં 22 માર્ચના રોજ ભીષણ આગની લાગી હતી. આ કેસમાં કંપનીના સિક્યુરિટી ગાર્ડે આગ લગાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજમાં ગાર્ડ ગોડાઉનમાં આગ લગાવતો જોવા મળે છે.
આગની આ ઘટનામાં કંપનીના માલિક પિતા-પુત્રને લગભગ 11 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે ગાર્ડ સ્કૂટર લઈને ગોદામ સુધી પહોંચે છે. આ પછી, પ્લાસ્ટિકની થેલીઓને આગ લગાવે છે.
ત્યારબાદ ગાર્ડ થોડા સેકન્ડો માટે રાહ જુએ છે કે આગ યોગ્ય રીતે લાગે છે કે નહી. આ પછી તે સ્કૂટર લે છે, આ દરમિયાન સીસીટીવીમાં અન્ય એક વ્યક્તિ દેખાય છે. જો કે આ વ્યક્તિ અન્ય કંપનીનો કર્મચારી છે અને આગ લગાવામાં કરવામાં તેની મિલીભગત હોય તેવું જોવા મળી રહી છે. પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી છે.
કંપનીના ગોડાઉનમાં આગ લગાડનાર આરોપી ગાર્ડ મનોજ બકરે ઘટના ના 3 દિવસ પહેલા જ કંપનીમાં જોડાયો હતો. જો કે ગાર્ડે શા માટે આગ લગાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારે હવે પોલીસ તેને 4 દિવસના રિમાન્ડ પર લઈને કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ મુકવી પડી હતી. ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબૂ મેળવવામાં લગભગ 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આગના કારણે આજુબાજુની અન્ય ફેક્ટરીઓ પણ આખો દિવસ બંધ રાખવી પડી હતી. ભરૂચ જિલ્લા મેજીસ્ટ્રેટ, એસપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિની તપાસ કરી હતી.
કંપનીના ગોડાઉનમાં 22 માર્ચે સવારે લગભગ 7 વાગ્યે આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાના કારણે આગ થોડી જ વારમાં વિકરાળ બની ગઈ હતી. ગોડાઉનમાંથી નીકળતો ધુમાડો લગભગ 15 કિમી દૂરથી પણ દેખાતો હતો. સંજોગોને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા, જીએનએફસી, એનટીપીસી ઝાનોર, આરતી ઇન્ડસ્ટ્રીઝ, અંકલેશ્વર નોટિફાઇડ, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ, દહેજ સહિત જિલ્લાના 20 થી વધુ ફાયર વિભાગના ફાયર ટેન્કરો જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.