હોસ્પિટલમાં નોકરી કરતાં કંપાઉન્ડરે કયા રોગમાં કઈ દવા અપાઈ… જાણીને બની ગયા બોગસ ડોક્ટર, સુરત પોલીસે નકલી તબીબોની કરી ધરપકડ

Surat News: સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વસવાટ કરે છે. ત્યારે ડિંડોલી વિસ્તારમાં શ્રમિકોની સસ્તામાં સારવાર કરવાના નામે ઠેર ઠેર ક્લિનિકની હાટડીઓ ખોલીને બેસી ગયેલા બોગસ તબીબો પર પોલીસની તવાઈ આવી હતી.સુરત એસોજી પોલીસે ત્રણ જેટલા દવાખાના પર રેડ કરીને ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. ડિંડોલી વિસ્તારમાં(Surat News) અલગ અલગ ત્રણ જગ્યાએથી ડિગ્રી વગર ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા ત્રણ તબીબોને ઝડપી દવા સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોકરી છોડી છેલ્લા પાંચ વર્ષથી આ ક્લિનિક ચલાવતો
પહેલાં બનાવમાં એસઓજી પોલીસે ડિંડોલીના સીઆર પાટીલ રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ 1 પાસે માતોશ્રી ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી હતી. ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશ કુમાર દુધનાથ પાલ (ઉ.43)ની પોલીસે ધરપકડ કરી હતી. તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 12,626 તથા રોકડ રૂપિયા 1.02 લાખ મળી કુલ 1.14 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તે ઉધના વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો. જેથી પોતાને સમાન્ય બીમારીમાં કઈ કઈ દવા, ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા પાંચ વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો.

અલગ અલગ હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો
બીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં હરીનગર સોસાયટીમાં આવેલા મધુમીતા ક્લિનિક નામના દવાખાના પર પોલીસે રેડ કરી હતી. અહીંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા આરોપી ઉતમ બીમલ ચક્રવાતી (ઉ.46)ને ઝડપી પાડ્યો હતો. તેના દવાખાનામાંથી પોલીસે દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 7,415 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તે ગોડાદરા વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો. જેથી તેને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા, ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા આઠેક વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો.

ચિલ્ડ્રન હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો
જ્યારે ત્રીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં શિવનગર સોસાયટીમાં આવેલા સાંઈ ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી હતી. ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સંજયકુમાર રામક્રિપાલ મોર્યા (ઉ.43)ને ઝડપી પાડ્યો હતો. તેના ક્લિનિકમાંથી પોલીસે અલગ અલગ દવાઓ, ઇન્જેક્શન, સીરપ મળી કુલ 83,446નો મુદામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં તે ઉધના ત્રણ રસ્તા પાસે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહી દર્દીઓને કઈ કઈ દવા, ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા ત્રણ વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો. આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આમ સુરત પોલીસે ઝોલાછાપ ત્રણ ડોક્ટરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને લોકોને પણ અપીલ કરી છે કે, તેમના વિસ્તારમાં આવા કોઈ પણ ઝોલાછાપ ડોક્ટર હોય તો તાત્કાલિક જ પોલીસને જાણ કરે.