ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ને હવે એક દિવસ જ બાકી રહ્યો છે. તમામ પક્ષો ખુબ જ જોરમાં પ્રચાર કરી રહ્યા છે. જાહેર પ્રચારના ભુંગળા શાંત થવાનું નામ લઇ રહ્યા નથી. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે આજે સાંજે 5 વાગતાની સાથે જ જાહેર પ્રચાર બંધ થઇ જશે. ત્યારબાદ તમામ રાજકીય પક્ષોની નજર મતદાન પર હશે.
પરંતુ આ બધાની વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો અમરેલીથી સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે વિડીયોમાં દીલીપ સંધાણી, પુરુષોત્તમ રૂપાલા, ગોરધન ઝડફિયા અને અમરેલી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ જોવા મળી રહ્યા છે. હાલમાં આ વિડીયો વાયરલ થયા અનેક અટકળો તેજ બની ગઈ છે અને લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે કે શું રાજકારણમાં કોઈ મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે?
મહત્વનું છે કે, અમરેલી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ભાજપના કાર્યાલયે પહોચ્યા છે. જ્યાં તેમણે દીલીપ સંધાણી, પુરુષોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચા ની ચુસ્કી માણી હતી. હાલમાં આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે. પરંતુ વિડીયો પરથી ફક્ત એટલું જ કહી શકાય કે, માત્ર ચાની ચુસ્કી માણવા માટે આવ્યા છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.