છેલ્લાં બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો: અર્જુન મોઢવાડિયા બાદ વધુ એક દિગ્ગજ નેતા અરવિંદ લાડાણીનું ધારાસભ્ય પદેથી રાજીનામું

Arvind Ladani Resigns: છેલ્લા બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો લાગ્યો છે, હાલમાં તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની ગઈ છે.…

Arvind Ladani Resigns: છેલ્લા બે દિવસમાં કોંગ્રેસને પાંચમો ઝટકો લાગ્યો છે, હાલમાં તો ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની ગઈ છે. અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું. માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ(Arvind Ladani Resigns) પક્ષને રામરામ કરી રાજીનામું આપ્યું. એક બાદ એક ધારાસભ્યના રાજીનામાના સમાચારથી કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. અર્જુન મોઢવાડિયા જૂથના નેતા માનવામાં આવે છે.

અર્જુન મોઢવાડિયાએ હજુ ગઇકાલે એટલે કે મંગળવારે જ કેસરિયો ધારણ કર્યો છે. ત્યારે આજે તેમના જુથના નેતા અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે..માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે,ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ લાડાણીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈશ. સરકારમાં સામેલ થઈ વિસ્તારનો વિકાસ કરીએ. આ અંગે મેં ગઈકાલે(5 માર્ચ, 2024) સાંજે જ નિર્ણય કર્યો હતો. મારા પર કોઈ દબાણ નથી. મેં મારા મનના નિર્ણયથી રાજીનામું આપ્યું છે. હું પેટાચૂંટણી લડવાનો છું. કોઈ કમિટમેન્ટ નથી.

મહેશ વસાવા પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત
છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પણ ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાજ મહેશ વસાવા અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે બેઠક થઇ હતી. જે બાદ મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. તેઓ 11 માર્ચના રોજ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે કેસરીયો ધારણ કરવાના છે. અમરેલીના રાજુલામાં અંબરિષ ડેર ભાજપમાં જોડાતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય હીરા સોલંકી અને અંબરીષ ડેર પહેલી વાર એકમંચ પર જોવા મળ્યા ત્યારે સીઆર પાટીલે સંમેલનને સંબોધતા કહ્યું હતુ કે 156 બેઠકો આવી હતી ત્યારે નક્કી કર્યુ હતુ કે 182 બેઠકો જીતવી છે. હવે  બાકી રહેલી 26 બેઠકો જીતવાની છે..

હવે કોંગ્રેસ પાસે 13 જ ધારાસભ્ય બચ્યા
અરવિંદ લાડાણીના રાજીનામા બાદ હવે કોંગ્રેસ પાસે હવે 13 જ ધારાસભ્ય બચ્યા છે. આ પહેલા ચિરાગ પટેલ(ખંભાત), સીજે ચાવડા(વિજાપુર) અને અર્જુન મોઢવાડિયા(પોરબંદર)ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. જ્યારે ગત ડિસેમ્બરમાં ભૂપત ભાયાણી પણ આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આમ હાલ કુલ પાંચ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જેની આગામી લોકસભા ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાવાની સંભાવના છે.