લોકો કોરોના(Corona) પ્રત્યે બેદરકાર બની રહ્યા છે અને માર્ગદર્શિકાનું પાલન નથી કરી રહ્યા જેને કારણે કોરોના વાયરસે ફરી વેગ પકડ્યો છે અને હવે તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફરીથી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને સંક્રમિત દર્દીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ફરી એક ચેતવણી જાહેર કરી છે અને કહ્યું છે કે કોરોનાની નવી લહેરનો સામનો કરવા માટે તૈયાર રહો.
આજે કોરોનાના કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 20 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે કોવિડના કારણે 56 લોકોએ જીવ ગુમાવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આજે ભારતમાં કોવિડના 20,044 નવા કેસ નોંધાયા છે. આ આંકડો ભયાનક છે. કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ દેશમાં કોરોનાના 20,038 કેસ નોંધાયા હતા.
પશ્ચિમ બંગાળ, જે નવા કેસ નોંધાતા ટોચના પાંચ રાજ્યોમાં છે, ત્યાં 3,067 નવા કેસ નોંધાયા છે. આ પછી કેરળમાં 2,979 કેસ, મહારાષ્ટ્રમાં 2,371 કેસ, તમિલનાડુમાં 2,312 અને ઓડિશામાં 1,043 કેસ છે. આ પાંચ રાજ્યોમાંથી 58.72% નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 56 લોકોના મોત થયા છે અને કુલ મૃત્યુઆંક 5,25,660 પર પહોંચી ગયો છે. ભારતમાં હાલમાં કોવિડના એક લાખથી વધુ (1,40,760) એક્ટીવ દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં 1,687 સક્રિય કેસમાં વધારો થયો છે. હાલમાં દેશમાં કોવિડમાંથી સાજા થવાનો દર 98.48 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 18,301 દર્દીઓ સાજા થયા છે.
બેદરકારી પડી શકે છે મોંઘી:
WHOના ડાયરેક્ટર ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે પણ કોરોનાના વધતા કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે કોરોનાથી મૃત્યુઆંક વધવો એ યોગ્ય સંકેત નથી. ઓમિક્રોનના સબવેરિયન્ટ્સ BA.4 અને BA.5ને કારણે, સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે. ઘણા દેશો કોરોના પ્રત્યે બેદરકાર બની ગયા છે. પરીક્ષણમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈપણ પ્રકાર વિશે નક્કર માહિતી બહાર આવી રહી નથી, તેના વર્તન વિશે કંઈપણ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું નથી.
કોરોના ખતમ નથી થયો, સાવચેત રહો:
WHOના વડાએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના હજી પૂરો થયો નથી અને આવનારા સમયમાં વધુ લહેરો જોવા મળી શકે છે. આના સંકેતો એ હકીકત પરથી પણ જોવા મળી રહ્યા છે કે ગયા અઠવાડિયે 5.7 મિલિયન કોરોના કેસ નોંધાયા હતા, જે પહેલા કરતા 6 ટકા વધુ હતા. મૃત્યુઆંકની વાત કરીએ તો, ગયા અઠવાડિયે આ વાયરસને કારણે 9800 લોકોએ જીવ ગુમાવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.