દિવાળી(Diwali 2022)ના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દિવાળી અને નવા વર્ષના તહેવારની ખરીદી માટે બજારોમાં ભારી ભીડનો માહોલ જામી ગયો છે. ત્યારે આવામાં વડોદરા(Vadodara) પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વડોદરા પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. પોલીસ કમિશ્નર દ્વારા પ્રદૂષણ(Pollution) રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી જાહેરનામું રહેશે અમલી:
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ તુક્કલ/આતશબાજી બલુનનું ઉત્પાદન તથા વેચાણ પણ કરી શકાશે નહીં. સાથે જ PESO સંસ્થા માન્ય ફટાકડાનું જ વેચાણ કરી શકાશે. આ જાહેરનામું 21 ઓકટોબરથી 4 નવેમ્બર સુધી અમલી રહેશે.
રાજકોટ અધિક કલેક્ટરનું જાહેરનામું:
રાજકોટ અધિક કલેક્ટર દ્વારા ફટાકડા ફોડવાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અધિક કલેક્ટર કે.બી ઠક્કર દ્વારા પ્રદૂષણ રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
9 નવેમ્બર, 2022 સુધી અમલમાં રહેશે જાહેરનામું:
જાહેરનામા અનુસાર, નેશનલ હાઈવે – 8(બી) પર આવેલા શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર તથા મેટોડા GIDC વિસ્તારની 500 મીટરની હદમાં તથા જ્વલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનું કે ફટાકડા ફોડવા પર પતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સાથે હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન ગણવામાં આવશે. અહીં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાહેરનામું 9 નવેમ્બર, 2022 સુધી લાગુ રહેશે.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું:
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પણ આવનારા દિવાળીના તહેવારને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશો. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ ઓનલાઈન ફટાકડાની ખરીદી કે વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.