Cyclone biporjoy is coming towards Gujarat: અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ હાલમાં ચક્રવાતમાં ફેરવાઇ ગઇ છે. આ સાયક્લોનિક સિસ્ટમને “બિપોરજોય” નામ આપવામાં આવ્યું છે. ચક્રવાત મુંબઇથી સાઉથ-વેસ્ટ દિશામાં 1060 કિમી, પોરબંદરથી 1150 કિમી અને ગોવાથી 930 કિમી દૂર છે. મળતી માહિતી અનુસાર છેલ્લા છ કલાકથી ચક્રવાત 13 કિમી પ્રતિકલાકની ગતિએ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે.
તારીખ 9 જૂન થી 16 જૂન દરમ્યાન સમગ્ર રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખાનગી હવામાન એજન્સી અનુસાર હાલના ફોરકાસ્ટ મુજબ ચક્રવાત ગુજરાત રાજ્ય નજીકથી પસાર થઇને તારીખ 14 જૂન અને 15 જૂન વચ્ચે કચ્છ-જામનગર દરિયા કિનારે ત્રાટકી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર લેન્ડફોલ સમયે ચક્રવાત નબળું પડશે અને પવનની ઝડપ 100 કિમી રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાવાઝોડાની સૌથી વધુ અસર જામનગર, કચ્છ અને પોરબંદરમાં જોવા મળી શકે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરનું મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું છે. સુરત શહેરના વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 73% અને સાંજે 61% નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 12 કિ.મી ની ગતિએ પવનો ફૂંકાયા હતા.
મળતી માહિતી અનુસાર છેલ્લા બે દિવસથી ચક્રવાતનો રૂટ સતત બદલાઇ રહ્યો છે. આ ચક્રવાત સોમવારે ઓમાન તરફ ફંટાઇ જાય તેવું હવામાન વિભાગના ફોરકાસ્ટમાં જણાતું હતું, પરંતુ આ ફોરકાસ્ટ માત્ર 24 કલાકમાં જ બદલાઇને હવે ગુજરાતમાં કચ્છ-જામનગર વચ્ચે ત્રાટકશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે રાજ્યનો 1600 કિમીનો દરિયાકાંઠો સકંજામાં આવે તેવી પણ શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.