રાજકોટ(ગુજરાત): કોરોનાકાળ (Corona period) માં છેલ્લા દોઢ વર્ષથી તહેવારો (Festivals), ઉત્સવોની ઉજવણી થઇ શકતી ન હતી તેમજ સદીઓથી ચાલી આવતી પરંપરાઓ (Traditions) પણ તૂટી ગઈ હતી. કોરોનાની બીજી ઘાતક લહેર પૂરી થયા પછી રાજ્ય સરકાર (State Government) દ્વારા નિયમોમાં છૂટછાટ અપાઈ છે.
આ સમયે ગત વર્ષે બંધ રહેલ નવરાત્રી પર્વની ઉજવણી માટે છૂટ આ વર્ષે આપી દેવાઈ છે ત્યારે એક વર્ષના બ્રેક પછી આ વર્ષ દરમિયાન રાજકોટમાં વિજયા દશમીના દિને રાવણ દહનનું આયોજન થવા જઈ રહ્યું છે. શહેરના રેસકોર્ષમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઉંચા રાવણનું દહન થશે. જેને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માટે 3 દિવસ માટે રેસકોર્સ મેદાનની ફાળવણી એસ્ટેટ શાખાએ કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરાશે:
રાજકોટમાં આવેલ રેસકોર્સ મેદાનમાં દર વર્ષ દરમિયાન સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણ દહનનું આયોજન ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે ગત વર્ષે કોરોનાને લીધે રાવણ દહનની ઉજવણી થઇ શકી ન હતી પણ આ વર્ષે કોરોના કેસ નહિવત થતા રાજ્ય સરકારે નિયમોને આધિન નવરાત્રિની ઉજવણીની મંજૂરી આપી દીધી છે.
જેને લઈ ‘વિશ્વ હિન્દુ પરિષદ’ દ્વારા વિજયાદશમીના દિવસે રાવણદહનનું આયોજન કરવામાં આવ્યું છે કે, જેમાં ભવ્ય રીતે આતશબાજી કર્યા બાદ 60 ફૂટ ઊંચા રાવણ તેમજ 30-30 ફૂટ ઊંચા મેઘનાથ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવશે.
પુતળા બનાવવા ઉત્તર પ્રદેશથી કારીગરો આવ્યા:
વિશ્વ હિન્દુ પરિષદના ચીમનભાઈ સિંધવ જણાવે છે કે, આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન તેમજ સંખ્યા મર્યાદા સહિતના નિયમોનું પાલન કરી આ કાર્યક્રમ યોજવાની મંજૂરી લેવાઈ છે. તારીખ 14-15 ઓક્ટોબર એમ સતત 2 દિવસ માટે રેસકોર્સ મેદાનની ફાળવણી એસ્ટેટ શાખા દ્વારા કરાઈ છે.
રાવણ, મેઘનાથ તથા કુંભકર્ણના પુતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાવણ દહનને લઇ હાલમાં તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશથી આવેલ કારીગરોએ 60 ફૂટ ઊંચા રાવણ તેમજ 30-30 ફૂટ ઊંચા કુંભકર્ણ તથા મેઘનાથના પૂતળા તૈયાર કરી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.