આજકાલ રાજકારણમાં નવી પ્રથા ચાલી રહી છે. આત્મ શુદ્ધિની પ્રથા. રાજકારણીઓ પોતાના પાપ ધોવા માટે ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપમાં જોડવાને કારણે તેમના પર લાગેલા આક્ષેપો પણ ધોવાઈ જાય છે. ભાજપ સાથે જોડાવા માટે આતુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના સાથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના કૌભાંડો ઢાંકવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ભાજપના જ નેતાને દબાવ્યાનું બહાર આવ્યું છે.
સોશિયલ મિડિયામાં વાઇરલ ઓડિયો ટેપમાં અમદાવાદ ભાજપના નેતા જગદિશ પટેલે ”ધવલસિંહ ભાજપમાં આવે છે એટલ તેને ડિસ્ટર્બ ન કરો, તમારૂ જે હશે તે સમજી લઈશું” એવુ જીતુ વાઘાણીએ કહ્યાનો દાવો કર્યો છે. લોકસભા ચૂંટણી પછી સચિવાલયમાં બાયડથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના આંટાફેરા કેમ વધ્યા છે. તેના પાછળના કારણો હવે સોશ્યલ મિડિયામાંથી બહાર આવ્યા છે. ભાજપના નેતા જગદિશ પટેલ અને પત્રકાર વચ્ચે થયેલી વાતચીતની ઓડિયો ટેપમાં ધવલસિંહ ઝાલાની નરોડા સ્થિત કોલેજ અને પેટ્રોલ પંપ ગેરકાયદે બાંધકામ હોવાનો ભાંડો ફુટયો છે.
આ મુદ્દે જગદિશ પટેલે ડા, યુનિવર્સિટીથી લઈને સરકારમાં અનેક જગ્યાએ ફરીયાદો કરી હતી. વિધાનસભા ચૂંટણી વખતે ઓક્ટોબર ૨૦૧૭માં પેટ્રોલ પંપને સીલ પણ કરી દેવાયો હતો. ભાજપના આ નેતા વધુ કાર્યવાહી માટે આગળ વધે તે પહેલા જ સરકારમાંથી તેમના ઉપર દબાણ આવી રહ્યુ હોવાનું ઓડિયો ટેપમાં કહેતા જણાયા છે.
તેમણે કહ્યુ કે, ”રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપમાં જ ધવલસિંહનો ખેલ પડી જશે. હું પહેલાથી કોલેજના બાંધકામ, ફાયર સેફ્ટિ અંગે રજૂઆતો કરતો આવ્યો છુ પણ હવે મને વાધાણી (ભાજપના પ્રદેશ અધ્યક્ષ)નું દબાણ આવી રહ્યુ છે. વાઘાણી હવે આ મુદ્દાને ન છંછેડવાનું કહે છે.
મારી પાસે તેમણે તેનું ઓડિયો રેકોર્ડિગ પણ છે. જો હું તે જાહેર કરીશ તો આખી પાર્ટી વાઘાણીના બચાવમાં ઉતરશે. ધવલસિંહે પોતાના ગેરકાયદે કોલેજ- પેટ્રોલ પંપને બચાવવા ભાજપમાં મોઢું ધર્યું છે” આ ઓડિયો ટેપમાં જગદિશ પટેલે ભાજપના નેતા, સરકારના મંત્રી ફોન કરે તો એ માણસનું શું થાય એવો ડર પણ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અને સિંચાઈ કૌભાંડના આરોપી પરસોત્તમભાઈ સબરીયાને ભાજપમાં જોડી તેમના પાપ ગંગાની જેમ ધોવામાં આવ્યા હતા એ જ રીતે ધવલસિંહ ઝાલાને પણ ભાજપ રૂપી ગંગામાં ડુબકી મારવી પાપ ધોવાની યોજના ઘડાઈ રહી છે. જો કે આ ઓડિયો ક્લીપની સત્યતાની પુષ્ટિ અમે કરતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.