લોકસભાની ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ ગઈ છે, હવે પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન પાટીદાર અનામત આંદોલનકારીઓ ભાજપ વિરોધ ના પ્રચારમાં મગ્ન બન્યા હતા. પરંતુ ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ પાસના પૂર્વ કન્વીનર દિનેશ બાંભણિયા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર સહિત કોંગ્રેસમાં સામેલ થયેલા હાર્દિક પટેલને પત્ર લખીને અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ માટે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે, તેની જાણ કરી છે.
લોકસભા ચૂંટણી પહેલા પાસ ના કન્વીનર અલ્પેશ કથીરિયા ને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલને પાટીદાર આગેવાનોએ પારણાં કરાવીને પોતે અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ માટે મધ્યસ્થી બનશે તેવી જાહેરાત કરી હતી. પરંતુ ત્યારબાદ અલ્પેશ કથીરિયા ની જેલ મુક્તિ માટે કોઈ પ્રયત્નો દેખાઈ રહ્યા નથી. જેનાથી વ્યથીત થઈને દિનેશ બાંભણિયા એ હાર્દિક પટેલ, દક્ષિણ ઝોનના કન્વીનર ધાર્મિક માલવિયા, મધ્ય ઝોન ના કન્વીનર ઉદય પટેલ અને નીરવ પટેલ, સૌરાષ્ટ્રના કન્વીનર મનોજ પનારા અને અમિત પટેલ, ઉત્તર ગુજરાતના કન્વિનર સુરેશ પટેલ અને હર્ષદ પટેલ, અમદાવાદના કન્વીનર જયેશ પટેલ, સાબરકાંઠાના કન્વીનર રાજ પટેલ અને કચ્છના કન્વીનર જીતુભાઈ પટેલ ને આ પત્ર લખીને 1 મેના રોજ રાજકોટ ના સરદાર ભવનમાં મિટિંગમાં હાજર રહેવા પત્ર લખ્યો છે.
દિનેશ બાંભણીયા ના પત્રમાં લખાયું છે કે આ મિટિંગનો ઉદ્દેશ માત્રને માત્ર અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ હશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના આગળના દિવસે દિનેશ બાંભણિયા દ્વારા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલની મુલાકાત લેવામાં આવી હતી.
આજરોજ ઊંઝા ઉમિયા ધામ ખાતે પાટીદાર આગેવાનોની મુલાકાત લેવામાં આવી હતી. દિનેશ બાંભણિયા નો દાવો છે કે ઉમિયા ધામ ઊંઝા અને ખોડલ ધામ કાગવડ ના પાટીદાર આગેવાનોએ ફરી એકવાર અલ્પેશ કથીરિયાને જેલમુક્ત કરાવવા સંપૂર્ણ બાહેધરી આપી છે.