ગુજરાતમાં સૌપ્રથમ સુરતના બે અંધ વિદ્યાર્થી કોઈની પણ મદદ વગર આપશે ધો.12ની બોર્ડની પરીક્ષા, જાણીને થશે ગર્વ

Surat Blind Students: અંધ વ્યક્તિ માટે કોઈની પણ મદદ વિના લખવું શક્ય નથી. એટલે જ અંધ વિદ્યાર્થીઓને(Surat Blind Students) પરીક્ષામાં મદદનીશ આપવામાં આવતા હોય છે,…

Surat Blind Students: અંધ વ્યક્તિ માટે કોઈની પણ મદદ વિના લખવું શક્ય નથી. એટલે જ અંધ વિદ્યાર્થીઓને(Surat Blind Students) પરીક્ષામાં મદદનીશ આપવામાં આવતા હોય છે, પરંતુ આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં 100 ટકા અંધ એવા બે વિદ્યાર્થી કોઈની પણ મદદ વિના ધોરણ 12 બોર્ડની એક્ઝામ આપશે.તેમજ આ લોકો સુરતનું પણ નામ રોશન કરશે.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાકનો વધુ સમય ફાળવવામાં આવશે
આ બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સુરતના છે. તેઓ કોઈની પણ મદદ વિના કોમ્પ્યુટર પર પરીક્ષા આપશે. ગુજરાતમાં આ રીતની આ પહેલી ઘટના છે. બંને વિદ્યાર્થીઓ ધો. 12 કોમર્સના વિદ્યાર્થી છે. તેઓ ઓનલાઈન સિસ્ટમથી એક્ઝામ આપશે. માર્ચમાં યોજાનારી એચએસસી બોર્ડની આ પરીક્ષામાં સામાન્ય તંદુરસ્ત વિદ્યાર્થીઓની સરખામણીએ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાકનો વધુ સમય ફાળવવામાં આવશે. તેનો અર્થ કે તેઓનું પેપર 3.30 કલાકનું રહેશે.

ભટારનો આનંદ, ડભોલીની સિયા કોમ્પ્યુટર પર એક્ઝામ આપશે
આ બે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ 100 ટકા અંધ છે. તેમાં એક યુવક અને એક યુવતી છે. યુવક ભટારનો રહેવાસી છે. તેનું નામ આનંદ ભાલેરાવ છે. આનંદ ઘોડદોડ રોડની અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. જન્મથી તેની આંખોમાં સમસ્યા હતા. તે 7માં ધોરણમાં ભણતો હતો, ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી હતી. જોકે, મક્કમ મનના આનંદે આંખની નબળાઈને જીવનની નબળાઈ બનવા દીધી નહીં. હાલ તે ધો. 12માં ભણે છે.

સામાન્ય વ્યક્તિની જેમ ફૂલસ્પીડમાં કોમ્પ્યુટર પર ટાઈપ કરે છે
કોઈપણ મદદનીશ વિના ટેક્નોલોજીની મદદથી પરીક્ષા આપવાનો નિર્ણય આ વિદ્યાર્થીઓનો જ છે. અંધજન શાળાએ વિદ્યાર્થીઓના નિર્ણયને વધાવી લઈ તેઓને મદદ કરી છે. બંને આંખથી બિલકુલ દેખાતું નથી પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ તેઓ કમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે.

આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે
અહીં સવાલ એ થાય કે તેઓ કોમ્પ્યુટર પર સવાલ કેવી રીતે સમજશે, પરીક્ષા કેવી રીતે આપશે? તો બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી સામાન્ય કીબોર્ડ પર તે સોફ્ટવેરના માધ્યમથી જે પણ શબ્દ ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. ટોપ બેક નામનું સોફ્ટવેર છે અને NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. જેની મદદથી જે શબ્દ તેઓ કીબોર્ડ પર ટાઈપ કરે છે તે સાંભળીને લખી શકે છે. જે પ્રશ્નપત્ર મળશે તે બ્રેઈલ લિપિમાં આવશે, જરૂર હશે તો એક્ઝામિનર તેને પ્રશ્ન વાંચીને બતાવશે અને ત્યારબાદ આ સોફ્ટવેરની મદદથી તે ઉત્તર લખશે.