રેશ્મા પટેલ જોડાયા AAPમાં- ભાજપના આ દિગ્ગજ પાટીદાર ચહેરા સામે લડી શકે છે ચુંટણી

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) જાહેર થયા બાદ એક બાદ એક મોટા સમાચારો સામે આવી રહ્યાં છે. NCPથી નારાજ રેશ્મા પટેલ હવે આમ આદમી પાર્ટીમા જોડાય ગયા છે. રેશ્મા પટેલ(Reshma Patel)એ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાના હાથે ખેસ ધારણ કરીને વિધિવત રીતે AAPમાં જોડાય ગયા છે. માત્ર એટલુ જ નહિ, આમ આદમી પાર્ટી રેશ્મા પટેલે વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. ત્યારે રેશ્મા પટેલ આંદોલનના જૂના સાથી એવા ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ(Hardik Patel) સામે વિરમગામ(Viramgam)મા મેદાને ઉતરશે તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.

આમ આદમી પાર્ટીમાં જોડાવા પર રેશ્મા પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નામમાં જ એટલા ગુણો છે જે દર્શાવે છે કે તે સામાન્ય વ્યક્તિની પીડા સમજવાવાળી પાર્ટી છે. મેં હંમેશા ગુજરાતમાં ગરીબ લોકો માટે, પીડિત લોકો માટે, શોષિત લોકો માટે અવાજ ઉઠાવવા માટે મારી શક્તિ અર્પણ કરી છે અને હવે હું ઈચ્છું છું કે મારી શક્તિ અને સમય એવી પાર્ટી સાથે જોડાય જ્યાં ગુજરાતની જનતાનું ભવિષ્ય છે. ગુજરાતમાં એક સામાન્ય વ્યક્તિની એ જ માંગ છે કે બસ રોટી, કપડા અને મકાન મળી જાય. જેના માટે સારી શિક્ષણ વ્યવસ્થાની જરૂર છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાની આ તમામ જરૂરિયાતો ચોક્કસપણે પૂરી કરશે. અરવિંદ કેજરીવાલજી પોતે એક આંદોલનમાંથી આવેલા નેતા છે, એટલે કે તેઓ આંદોલનકારીની લાગણીઓને સમજી શકે છે અને તેથી જ આજે હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ છું. મને ખાતરી છે કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના જુસ્સા સાથે હું મારી તાકાત વધારી શકીશ અને લોકો માટે કામ કરી શકીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણી પહેલા જ કોંગ્રેસ અને NCPએ ત્રણ બેઠકો પર ગઠબંધન કરી લીધું છે. જે બાદ NCP નેતા રેશ્મા પટેલ નારાજ હતા. આ સાથે સૌરાષ્ટ્રની કોઇપણ બેઠક પર NCPને મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું. જેને કારણે રેશ્મા પટેલની ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. જોકે, ત્યારબાદ તેમણે એક નિવેદનમાં કહ્યુ હતું કે, તેઓ ગોંડલ બેઠક પરથી ચૂંટણી નહિ લડે, પરંતું ગોંડલના રાજકારણમાં સક્રિય રહેશે. ત્યારે નારાજ રેશ્મા પટેલે હવે આમ આદમી પાર્ટીનું ઝાડું પકડ્યું છે.

ત્યારે હવે જોવું રહ્યું છે આમ આદમી પાર્ટી રેશ્મા પટેલને વિરમગામથી હાર્દિક પટેલ સામે ચુંટણીના જંગમાં ઉતારી શકે છે કે નહી. હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ બંને આંદોલનના જુના સાથી છે અને જો આમ આદમી પાર્ટી રેશ્મા પટેલને વિરમગામથી ટીકીટ આપશે તો જોરદાર ચુંટણીનો જંગ જામી શકે છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *