ભારતીય જનતા પાર્ટીનું નામ આવે એટલે તરત જ કેસરી કમળ મગજમાં આવી જાય પરંતુ તમે આ કમળ ને લીલું બનાવીને પ્રચાર કરતા ભાજપની બેવડી નીતિ પ્રથમ વાર જોઈ શકશો. બીજેપી દ્વારા કેન્દ્ર પ્રશાસિત કાશ્મીરની શ્રીનગર બેઠક પરથી શેખ ખાલિદ જહાંગીરને ટિકિટ આપી છે. જહાંગીરે પોતાના સ્તરે સ્થાનિક મતદાતાઓને ખુશ કરવા માટેના પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે. પરંતુ આ લોકસભા બેઠક પર ભાજપના ચૂંટણી પ્રચારે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહથી લઈને તમામ રાજકીય વિશ્લેષકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ભાજપે સ્થાનિક અખબારોમાં આપેલી જાહેરાતોમાં સામાન્યપણે જોવા મળતા ભગવા રંગના બદલે લીલો રંગ અપનાવ્યો છે.
કાશ્મીરમાં સામાન્ય લોકોમાં લોકપ્રિય અખબાર ‘ગ્રેટર કાશ્મીર’ અને ‘કાશ્મીર ઉઝમા’માં છપાયેલી જાહેરાતમાં વડા પ્રધાન મોદીની તસવીર સૌથી ઉપર છે. તેની સાથે ભાજપનું નામ પણ લીલા રંગે લખાયેલું છે. જોકે, ભાજપનું ચૂંટણી ચિહ્ન કમળનું ફૂલ સફેદ રંગનું છે. તે ઉપરાંત જાહેરાતમાં ઉર્દૂ ભાષામાં લખ્યું છે કે, ‘જૂઠું છોડો, સાચું બોલો અને ભાજપને મત આપો.’ ભાજપના નેતાઓએ કહે છે કે કાશ્મીરમાં ભાજપે જીત નોંધાવવાનું શરૂ કરી દીધુ છે. તેથી જ પક્ષ લીલા રંગનો ઉપયોગ કરી રહ્યો છે.
મ્મુ-કાશ્મીરના ભાજપ પ્રવક્તા અલ્તાફ ઠાકુરે બીબીસીને કહ્યું, “તેમાં આશ્ચર્ય પામવાની કોઈ વાત નથી. જો તમે ભાજપનો ધ્વજ જોયો હશે તો તમને ખ્યાલ હશે કે તેમાં પણ લીલો રંગ છે. ભાજપના ઝંડામાં ભગવો અને લીલો રંગ બંને છે.”
“લીલો રંગ શાંતિ અને વિકાસનું પ્રતીક છે. તમે જોયું હશે કે તાજેતરમાં જ સ્થાનિક એકમોની ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. તેનો અર્થ છે કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતીના વિસ્તારોમાં પણ ભાજપને સ્વીકૃતિ મળી છે.” તેઓ કહે છે, “કાશ્મીરમાં ભાજપના ઝંડામાં લીલો રંગ નહોતો પણ હવે તમે જોશો કે જ્યારે પણ કોઈ નવી યોજના શરૂ થાય છે તો તેમાં લીલો રંગ પણ સામેલ કરવામાં આવે છે. ભાજપ રંગો પર વિશ્વાસ કરનારો પક્ષ નથી. અમે ‘સબકા સાથ, સબકા વિકાસ’માં વિશ્વાસ રાખીએ છીએ.”
બીબીસીએ ઠાકુરને પૂછ્યું કે શું લીલા રંગના ઉપયોગથી સ્થાનિક લોકોને રીઝવવાના પ્રયત્નો છે? આ પ્રશ્નના જવાબમાં ઠાકુરે કહ્યું, “ના, એનો એવો અર્થ નથી. તમે પીડીપીનો ઝંડો જોયો હશે તે સંપૂર્ણ લીલો છે અને નેશનલ કૉંગ્રેસનો ઝંડો લાલ છે. માત્ર ભાજપનો ઝંડો એવો છે, જેમાં દરેક ધર્મના રંગને સ્થાન મળ્યું છે. હું ફરી એક વખત કહીશ કે લીલો રંગ જીતનું પ્રતીક છે અને તેથી આ રંગને જોડવામાં આવ્યો છે. હવે અમારી જીતને કોઈ રોકી શકશે નહીં.”
જમ્મુ-કાશ્મીરના ભાજપ એકમના એક મહાસચિવ આશિક કૌલને જ્યારે આ અંગે પૂછાયું તો તેમણે કહ્યું કે તેમના પક્ષ માટે રંગોનું બહુ મહત્ત્વ નથી. તેઓ કહે છે, “જ્યારે ઓમર અબ્દુલ્લાહે આ મુદ્દે ટ્વીટ કર્યું ત્યારે ખાલિદ જહાંગીરે ટ્વિટરના માધ્યમથી જ તેમને જવાબ આપ્યો હતો. બીજી વાત કે તેમણે લીલો ઝંડો નથી ઉઠાવ્યો પણ તેને પોસ્ટરમાં સ્થાન આપ્યું છે. તેમાં રંગોનું બહુ મહત્ત્વ હોતું નથી.”
રાજનૈતિક વિશ્લેષક માને છે કે રંગ બદલીને ભાજપ કાશ્મીરના સ્થાનિક લોકોને રીઝવવા માગે છે. કારણ કે કાશ્મીરના રાજકારણમાં લીલા રંગે હંમેશાં અગત્યની ભૂમિકા નિભાવી છે. તેનો સીધો સંબંધ ધર્મ અને ઇસ્લામ સાથે છે.
વરિષ્ઠ પત્રકાર હારુન રહસી કહે છે, “રંગમાં પરિવર્તન કરવાનો નિર્ણય ઉમેદવાર પોતે પણ લઈ શકે છે. તેમણે વિચાર્યું હશે કે પોસ્ટરમાં લીલા રંગનો ઉપયોગ કરીને મતદાતાઓને ખુશ કરી શકાય.” તેઓ કહે છે, “મતદાતા ઘણા નિર્દોષ હોય છે અને આ બાબતો કામ કરે છે. કાશ્મીરમાં લીલો રંગ રાજકીય પક્ષો માટે હંમેશાં ફાયદાનો સોદો રહ્યો છે.”
“સાંકેતિક રીતે લીલા રંગને પાકિસ્તાની ઝંડા તરીકે જોવામાં આવે છે અને રાજનેતાઓએ હંમેશાં આ રંગનો ઉપયોગ કર્યો છે. એ જ રીતે જેમ ભાજપે ભગવા રંગને હિંદુ રંગ તરીકે દર્શાવ્યો છે. આ જ રીતે લીલા રંગને ઇસ્લામી રંગ તરીકે જોવામાં આવે છે. ”