માતા-પિતાએ પોતાના દીકરાઓને ભણાવી ગણાવી મોટા કર્યા હોય, તે જ દીકરાઓ માતા-પિતાની વૃધ્ધાવસ્થામાં સહારો બનવાને બદલે તેમને તરછોડી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના અમદાવાદ (Ahmedabad)માંથી સામે આવી છે. અમદાવાદના કલાવતીબેનને તો ખબર પણ નહોતી કે જેમને ઘડપણની લાકડી સમજતા હતા તે પેટનો દીકરો ઐયાશ નિકળ્યો. માતાની મરણમૂડીના એક-બે નહીં પણ પૂરા પચ્ચીસ લાખ બારોબાર બેંકમાંથી ઉપાડીને પેટે જણેલો દીકરો ભાગી ગયો. આ માજીના કિસ્મત એટલા સારા કે એક દયાળુ IPSની તેમની પર નજર પડી, જે હવે પુત્રની તમામ ફરજો અદા કરતા તેમને સાચવે છે અને બે ટંક ભરપેટ જમાડે છે.
માજી પાસે નથી દવાના પૈસા કે નથી બે ટંક ભોજનના:
મળતી માહિતી અનુસાર, કલાવતીબા અમદાવાદના વેજલપુરનામાં રહે છે. તેઓએ તેમના પતિ વિના એકલા હાથે આખી જિંદગી કાળી મજૂરી કરીને રુ. 25 લાખ જેટલી મરણ મૂડી એકઠી કરી હતી. પરંતુ તેમનો કપાતર પુત્ર કોરા ચેક પર માતાની સહી કરાવી તેના બેંક એકાઉન્ટમાંથી રુ. 25 લાખ ઉપાડીને નાસી ગયો. બેંક એકાઉન્ટ ખાલી થઈ જતાં હવે માજી પાસે ન તો દવાના પૈસા છે ન તો બે ટંક ભોજનના. હવે તેમની પાસે ખાવા માટે માત્ર નિસાસો જ છે.
જાણવા મળ્યું છે કે, કલાવતીબેનના પતિનું અકાળે અવસાન થયું હતું. કલાવતીબેન પોતે સાંભળી શકતા નથી. પરંતુ તેઓ ફાંકડું અંગ્રેજી બોલે છે. નોધારી બનેલી માતાની વ્હારે આવેલા IPSએ જે પણ કઈ પ્રશ્નો પૂછ્યા તેના કલાવતીબેને અંગ્રેજીમાં જવાબો આપ્યા હતા.
માજીના ખાતામાં માત્ર રુ. 1200 રહ્યા હતા:
મળતી માહિતી અનુસાર, કલાવતીબેન સારી જગ્યાએ નોકરી કરતા હતા. આ નોકરીમાંથી નિવૃત્ત થવા સમયે તેમને રુ. 25 લાખ મળ્યા હતા. આ રુપિયા લઈને દીકરો ઘરેથી જતો રહ્યો અને મા હવે બીમાર હતી. કલાવતીબેનને મદદ કરવાની આસપાસના લોકોએ તૈયારી બતાવી હતી. પરંતુ કલાવતીબેને કહ્યું, ભલે દીકરો જતો રહ્યો પણ મારી બેંકમાંથી તમે રૂપિયા લાવી આપો. કલાવતીબેનને ક્યાં ખબર હતી કે દીકરો બેંક બેલેન્સ પણ સફાચટ કરી ગયો છે. પાડોશીને જે ચેક લખી આપ્યો તે બાઉન્સ થયો ત્યારે તો માજીને ખબર પડી કે તેમના ખાતામાં માત્ર રુ. 1200 છે.
IPS મદદે ન આવ્યા હોત તો કલાવતીબા ભૂખે મરત:
આખી જિંદગી કાળી મજુરી કરીને ભેગા કરેલા દીકરો ઐયાશ માટે લઈને નાસી જતા તેમના પાસે હવે ન તો દવાના પૈસા બચ્યા, કે ન તો ખાવાના. આ તો સદનસીબે ભગીરથસિંહ જેવા માનવતાવાદી પોલીસ અધિકારીની તેમની પર નજર પડી. તેમણે જ બીમાર અને ભૂખી માને પોલીસે જમવાની વ્યવસ્થા કરી આપી છે. ઓશિયાળી બનેલી માતાને IPS આધિકારી મદદ કરી રહ્યા છે.
દીકરા સામે ગુનો નોંધવાની પ્રક્રિયા શરુ કરી: IPS જાડેજા
કલાવતીબેનની વાત જ એવી છે કે ભલભલાનું હૃદય કંપી ઊઠે અને IPS અધિકારીએ પણ કલાવતીબેનને મદદ કરવાની તૈયારી બતાવી. આ અંગે ભગીરથસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે કલાવતીબેનની અરજીના આધારે દીકરા સામે ગુનો નોંધવા પ્રક્રિયા કરી છે. જ્યારે પીડિત સિનિયર સિટીઝનને મદદ કરવા માટે પ્રયાસ કર્યો છે. જો અન્ય લોકો પણ જોડાય તો આ મહિલાને મદદ મળી શકે છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.