સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખુબ જ ઓછો વરસાદ પડતાં ખેડુતોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે પાટડી તાલુકામાં પણ ઓછો વરસાદ પડતાં ખેડુતોને મોટા પાયે નુકશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે પાટડી તાલુકાની માઈનોર કેનાલોમાં પણ હલકી ગણવત્તાના કામોને લઈ રોષ જોવા મળી રહ્યો છે.
આથી સ્થાનિક ધારાસભ્યની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં ખેડુતો કેનાલ પર એકત્ર થયાં હતાં અને સરકાર સામે રોષ દાખવી પાણી આપવાની માંગ કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાટડી તાલુકામાં ચાલુ વર્ષે ઓછો વરસાદ પડતાં ખેડુતોને ભારે હાલાકી પડી રહી છે અને ખરીફ સીઝન નિષ્ફળ જતાં મોટાપાયે નુકશાની ભોગવી રહ્યાં છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા રવિપાકને ધ્યાને લઈ નર્મદાની મુખ્ય સહિત માઈનોર કેનાલમાં પાણી આપવાનું શરૃ કર્યું છે. પરંતુ પાટડી તાલુકાની અનેક માઈનોર કેનાલમાં ઠેરઠેર ગાબડાં અને કેનાલ જર્જરીત સહિત અધુરી કામગીરી થઈ હોય આ કેનાલ મારફતે પણ પાણી મળી શકે તેમ નથી.
આથી દસાડા-લખતરના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ખેડુતો નાના ગોરૈયા ગામ પાસેથી પસાર થતી માઈનોર કેનાલ પર એકત્ર થયાં હતાં અને પાણી આપવાની મુખ્ય માંગ સાથે ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યાં હતાં. આ ઉપરાંત માઈનોર કેનાલની નબળી કામગીરી સામે રોષ દાખવ્યો હતો અને જે તે સમયે કોન્ટ્રાકટર અને સ્થાનિક તંત્રની મીલીભગતથી માઈનોર કેનાલની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
જયારે આ તકે ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ કેનાલમાં પ્રથમ વખત જ પાણી છોડાતા ગાબડાં પડી ગયાં હોવાનું, તેમજ કેનાલમાં વચ્ચે આડાશ મુકી માથાભારે શખ્સો દ્વારા બકનળીઓ દ્વારા ગેરકાયદેસર રીતે પાણી ચોરી સામે પણ રોષ દાખવ્યો હતો અને જે તે સમયે કેનાલોના બાંધકામ વચ્ચે પાણી ચોરીની વ્યવસ્થા કરી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
તેમજ નર્મદાની મુખ્ય સહિત માઈનોર કેનાલોના બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે મોટી સંખ્યામાં પાટડી તાલુકાના ખેડુતો જોડાયા હતાં.