પ્રધાનમંત્રી મોદી ગત 15 જાન્યુઆરીએ ઓરિસ્સામાં એક ટ્રેન નું લોકાર્પણ કરવા માટે આવેલા હતા. આ દરમિયાન તેમણે એક જાહેર સભા પણ સંબોધી હતી સ્વાભાવિક રીતે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, જેથી તેઓ એરપોર્ટથી હેલિકોપ્ટરમાં સભાસ્થળ સુધી પહોંચતા હોય છે, આ હેલિકોપ્ટર માટે એક હંગામી હેલિપેડ પણ બનાવવામાં આવતું હોય છે, પરંતુ આ લોકાર્પણ શા માટે વિવાદોમાં ઘેરાયું છે તેનું કારણ ખૂબ જ ગંભીર છે.
ઓરિસ્સાના બલાંગીર શહેરમાં એક હેલીપેડ બનાવવા માટે હજારથી પણ વધુ વૃક્ષોને કાપી નાખવામાં આવતા પર્યાવરણવિદો માં ઘોર આક્રોશ છે. આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની મંજૂરી પણ લેવામાં આવી ન હતી. ‘ધ હિન્દુ’ ના રિપોર્ટ અનુસાર 2016માં રેલવે વિભાગ તરફથી રેલવેની 2.25 હેક્ટર જમીન પર વૃક્ષારોપણ ના કાર્યક્રમ દરમિયાન છોડ લગાવવામાં આવ્યા હતા. નિયમ અનુસાર કોઈ પણ વૃક્ષારોપણ થઇ ગયા બાદ જો તેને કાપવા હોય તો તેની મંજૂરી લેવી આવશ્યક હોય છે. પર્યાવરણવિદ વિશ્વજીત મોહંતી એ વધુમાં જણાવ્યું હતું કે એક વખત રોપવામાં આવેલા છોડને વૃક્ષ બની ગયા બાદ કાપવું હોય તો મંજૂરી લેવી જરૂરી છે અને મંજૂરી વગર જો આ કાર્ય અધિકારીએ કર્યું હોય તો તેની વિરુદ્ધ આરોપો ઘડીને કેસ પણ નોંધવો જોઈએ.
આ ઘટના વિવાદ થતા બહાર આવી હતી ત્યારે સફાળા જાગેલા રાજ્યના વન વિભાગ વૃક્ષ કપાયા છે કે નહીં તે અંગેની પ્રારંભિક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વિભાગીય અધિકારી સમીરકુમાર સત્પતીએ કહ્યું કે વૃક્ષો કાપવાના આરોપ લગાવવામાં આવ્યા છે તે સાચા છે. આ માટે અમારી પાસે કોઈ જ પૂર્વ અનુમતિ લેવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે અમે રેલવેના અધિકારીઓને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે હેલીપેડ માટે માત્ર જમીન સાફ કરી છે અને જમીન સાફ કરવા માટે ત્યાં રહેલા વૃક્ષ પણ કાપેલા છે. આ દરમિયાન જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં રહેલા વૃક્ષો ની ઊંચાઈ ૪ થી ૭ ફૂટ જેટલી હતી અને વન વિભાગની જાણકારી અનુસાર આ જગ્યા પર ૧૦૦૦ થી ૧૨૦૦ કાપણી થઈ હશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.
સ્થાનિક સમાચાર ચેનલ ઓરિસ્સા ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલ સમાચાર નો વિડીયો આપ અહીં જોઈ શકો છો. જેમાં જે સ્થળ પર વૃક્ષો કાપવામાં આવ્યા તે સ્થળે પહોંચેલા વનવિભાગના અધિકારી પોતાનું મંતવ્ય રજૂ કરી રહ્યા છે. વન વિભાગના અધિકારી દ્વારા આ વૃક્ષો નું નિકંદન કાઢવામાં આવ્યું. તેની કિંમત આશરે અઢી લાખ રૂપિયા જેટલી થાય છે. આમ પ્રધાનમંત્રી મોદીનું હેલીપેડ બનાવવા માટે ઘેલા થયેલા અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં આવ્યું છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.