PI ને ધમકાવી ગયો ભાજપ MLA નો પુત્ર, સુરત પોલીસ કઈ ન ઉકાળી શકી!!! ખાખીને કોનો ડર?

ગઈકાલે સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ટ્રાફિકપોલીસ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સાંજ પડે ત્યાં સુધી માં ત્રણ ત્રણ પોલીસ ફરિયાદો થઇ ગઈ હતી. ત્યારે સુરત પોલીસની નિષ્પક્ષ કાર્યશૈલી પર પ્રશ્નાર્થ સર્જાયો છે. ગઈકાલની ઘટનાના આગળના દિવસે સુરતના જ એક ભાજપી ધારાસભ્યના દીકરાએ છાકટા બનીને PI ને ધમકાવ્યા હતા અને સમગ્ર મામલે મોટું રૂપ ધારણ કર્યું હતું જેના દબાણવશ  સુરત કમિશનર સતીશ શર્માએ ફરિયાદ નોંધવા નો આદેશ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

વિશ્વસનીય સૂત્રોએ જણાવેલ કે પુણા પોલીસે પકડેલા દારૂડિયાઓને છોડાવવા માટે પોલીસ સ્ટેશન જઈ પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓને ધમકાવવામાં આવ્યા હતા અને ફરિયાદના કાગળો પણ હાથમાં લઈને દાદાગીરી કરી ફાડવા સુધીની તૈયારી શરદ ઝાલાવડીયા કરી ચુક્યો હતો. જો આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થાય તો પોલીસ સ્ટેશન ના CCTV ના આધારે શરદ ઝાલાવાડિયા પર ઢગલાબંધ કલમો લાગી શકે એમ છે. પરંતુ કોઈ ઉચ્ચ નેતાના ઈશારે ઘટનાના 48 કલાક થવા આવ્યા છતાં કોઈ પોલીસ ફરિયાદ થઇ નથી. આમ પોલીસ કમિશનર ના આદેશને પણ અજ્ઞાત વ્યક્તિઓએ માન્યો ન હતો. સ્વાભાવિક છે કે આ મામલે કોઈ મોટા માથાનો હાથ હોઈ શકે. આ બાબતે ખાતાકીય તપાસ થાય તો ઘણું બહાર આવે એમ છે.

સુરતની કામરેજ વિધાનસભાના ધારાસભ્ય  વી ડી ઝાલાવાડિયાના પુત્રે “માફિયા” બનીને શરદે પુણા પીઆઈ આર.આર ભાંભળાને ફોન કરી ધમકી આપી હતી કે કોઇપણ પ્રકારની કાર્યવાહી વિના તમામ ને છોડી દો નહીં તો હું તમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજીલન્સ ની રેઇડ પડાવીશ. પીઆઈએ શરૂઆતમાં તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ શરદે ધમકી આપવાનું ચાલુ રાખતા પીઆઇ એ આખરે આ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હોવાનું જાણવા મળ્યું છે. જેના આધારે PI ફરિયાદ દાખલ કરી શકે છે પણ હજી સુધી કરી નથી!

શરદ ઝાલાવડીયાએ પોલીસ ઇન્સ્પેકટરને જે રીતે વિજિલન્સ ની રેડ પડાવીને ક્યાં દારૂ મળે છે તે જાણકારી આપી દઈશ તેવી ધમકી આપીને પોલીસ અને પોતાનો કલંકિત ચહેરો જાણતા સમક્ષ મૂકી દીધો છે. અગાઉ પણ રેતીખનન ના ગુનામાં શરદ ઝાલાવાડિયા સંડોવાઈ ચુક્યો છે. હવે જોવું રહ્યું કે ક્યારે સુરત પોલીસનો અંતરાત્મા જાગશે કે પછી કોઈ મોટા માથાના ઈશારે જ નતમસ્તક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *