ગુજરાત(Gujarat) વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections) આડે હવે ગણતરીના મહિના બાકી છે, ત્યારે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ(BJP) અને કોંગ્રેસ(Congress) કરતાં સૌથી પહેલા આમ આદમી પાર્ટી(Aam Aadmi Party) દ્વારા આજે 10 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર, ચૂંટણીના ત્રણ મહિના પહેલાં ઉમેદવારો જાહેર થશે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. સાથે જ ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી બંને ચૂંટણી લડશે તેવી પણ જાહેરાત કરી છે.
આપના 10 ઉમેદવારોની યાદી:
– ભેમાભાઈ ચૌધરી : દિયોદર
– વશરામ સાગઠિયા : રાજકોટ ગ્રામ્ય
– સાગર રબારી : બેચરાજી
– અર્જુન રાઠવા : છોટાઉદેપુર
– રામ ધડુક : કામરેજ(સુરત)
– શિવલાલ બારસિયા : રાજકોટ દક્ષિણ
– સુધીર વાઘાણી : ગારીયાધાર
– રાજેન્દ્ર સોલંકી : બારડોલી
– ઓમપ્રકાશ તિવારી : નરોડા
– જગમાલ વાળા : સોમનાથ
બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે:
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, અમે સંગઠનને મજબૂત કર્યું છે. ઉમેદવારોને હું અભિનંદન પાઠવું છું. અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નેતાઓના માર્ગદર્શનથી યાદી બની છે. પહેલું લિસ્ટ જાહેર થયું તેમાં 10 ઉમેદવારની જાહેરાત કરી છે. તમામને અભિનંદન આપીએ છીએ. બીજું લિસ્ટ પણ જલ્દી જાહેર કરવામાં આવશે.
હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ વધી રહ્યો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે વેરાવળમાં જનસભા સંબોધી હતી. આ ઉમેદવારો અંગે ગુજરાત પ્રદેશ સંગઠન અને અરવિંદ કેજરીવાલ વચ્ચે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેરોજગારોને મહિને 3000 રોજગાર ભથ્થાનો વાયદો:
અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ દરમિયાન વેરાવળમાં બીજી ગેરન્ટીની જાહેરાત કરી છે. વીજળી પછી તેમણે રોજગારીની ગેરન્ટી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં જો AAPની સરકાર બની તો ગુજરાતના પ્રત્યેક બેરોજગાર વ્યક્તિને રોજગાર આપીશું. જ્યાં સુધી બેરોજગાર યુવાનોને રોજગાર નહિ મળે ત્યાં સુધી પ્રત્યેક બેરોજગાર યુવાનને 3000 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપીશું. 10 લાખ સરકારી નોકરીની ભરતી કરીશું. ગુજરાતમાં પેપરલીકથી યુવાનો ખૂબ જ પરેશાન છે, એટલે એના વિરુદ્ધ કડક કાયદાઓ લાવીશું અને સમયસર સરકારી પરીક્ષાઓનું આયોજન કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.