- 30 વર્ષનો સૌથી ભીષણ દુકાળ, કચ્છના 20માંથી 17 ડેમ ખાલી
- એક્સપર્ટે કહ્યું – ઊંટ જન્મજાત શાકાહારી હોય છે પણ ઘાસ-ચારો ન મળતાં આ સ્થિતિ થઈ શકેે
- કચ્છના 400 કિમી એરિયામાં ગામેગામ ફરીને ભાસ્કરના રિપોર્ટરોએ નિહાળી દુષ્કાળની ભયાવહ વાસ્તવિકતા
કચ્છના ગામોમાંથી અર્જુન ડાંગર, પ્રકાશ રાવરાણીઃ
જન્મજાત શાકાહારી ગણાતા ઊંટ ઘાસ ન મળતાં હાડકાં ચાવવા મજબૂર બની ગયા છે, ટેન્કરો હવાડા ભરે છે અને પશુઓ જ્યાંથી પાણી પીવે છે ત્યાંથી જ પીવાનું પાણી ભરવા માનવીઓ લાચાર છે. કૂવાઓમાં કાદવવાળું કદડા જેવું પાણી છે. અને મહિલાઓ એકપછી એક ઘડા નાખીને આવું પાણી ભરીને પાંચ-પાંચ કિમી દૂર આવેલા ઘરો સુધી જઈ રહી છે. કચ્છ અત્યારે 30 વર્ષના સૌથી ભીષણ દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. થોડા વર્ષો પહેલાં સરકારનું ટુરીઝમ વિભાગ જાહેરાત કરતું હતું ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.’ આ દુષ્કાળગ્રસ્ત કચ્છને જોઈને હવે સ્થાનિકો દાઢમાં કહે છે, ‘યે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા!’ ગત ચોમાસામાં કચ્છના હિસ્સે માત્ર 12 મીલીમીટર વરસાદ થયો હતો. પાણીની અછતના લીધે સેંકડો પશુઓના મોત થઈ ચૂક્યાં છે. હજારો લોકોએ હિજરત કરી છે.
એક્સપર્ટ વ્યૂઃ ઘાસ-ચારો નહીં મળતાં કેલ્શિયમની કમી થાય છે.
ઊંટ જન્મજાત શાકાહારી હોય છે. જ્યારે દુષ્કાળની પરિસ્થિતિમાં ઘાસચારો અથવા પાંદડાની તંગી હોય ત્યારે, તેમના શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સ્તર ઝડપથી ઘટે છે. ઘણીવાર તીવ્ર ભૂખના લીધે તથા કેલ્શિયમ-ફોસ્ફરસની ઉણપના લીધે ઊંટ અસ્થિ ચાવવા લાગે એવું બની શકે છે. એનવી પાટિલ, ભૂતપૂર્વ નિયામક, નેશનલ કેમલ સંશોધન કેન્દ્ર, બિકાનેર (રાજસ્થાન)
સૌરાષ્ટ્રના 138 ડેમમાં માત્ર 11. 82% પાણી.
રાજ્યના 50થી તાલુકા દુષ્કાળની ઝપેટમાં છે. પાણી પુરવઠા વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના 204 ડેમમાં 34.41 ટકા પાણી છે. નર્મદા ડેમમાં 50.82 ટકા પાણી છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 11.82 ટકા પાણી બચ્યું છે. કચ્છના 20 ડેમમાં 13.32 ટકા પાણી છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 16.60 ટકા પાણી છે. દ.ગુજરાતના 12 ડેમમાં 24.19 ટકા પાણી છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાં 48.22 ટકા પાણી છે.