આજકાલ વધતા આપઘાતના કિસ્સાઓ દરમિયાન જુના પાદરા રોડ પર આવેલા ભદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા બી. ટેકના 19 વર્ષના વિદ્યાર્થીએ 9મા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હતી. બપોરે બે વાગ્યે તેની ઓનલાઇન એકઝામ હતી એના 4 કલાક પહેલાં જ તેણે આ પગલું ભર્યું હતું. 9મા માળેથી કૂદી યુવકે આપઘાત કરતાં ભદ્રલોક ફ્લેટમાં શોક છવાયો હતો. ઘટનાને પગલે જેપી રોડ પોલીસ દ્વારા મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, શહેરના જૂના પાદરા રોડ પર ભદ્રલોક ફ્લેટના 9માં માળે રાજેશ રમણ કુમાર બેન્ક ઓફ બરોડાની રીજનલ બ્રાન્ચમાં નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. જાણવા મળ્યું છે કે, 19 વર્ષનો પુત્ર આયુષ ચંડીગઢની કોલેજમાં બી. ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
હાલમાં કોરોનાને કારણે તે ઓનલાઇન અભ્યાસ કરતો હતો. આ દરમિયાન બુધવારે બપોરે 2 વાગ્યે તેની ઓનલાઈન પરીક્ષા હતી. તેના ચાર કલાક પહેલાં જ સવારે 10 વાગે તેણે 9માં માળની ગેલેરીની બારીમાંથી કૂદકો માર્યો હતો. 9માં માળેથી નીચે પટકાતાં આયુષનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
આયુષ નીચે પટકવાથી ધડાકા સાથે અવાજ થયો હતો.જેને કારણે ફ્લેટના લોકો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પિતા રાજેશ કુમાર ઓફિસથી ઘરે દોડી આવ્યા હતાં. પુત્રના મૃતદેહ પાસે માતા અને પુત્રીને આક્રંદ કરતાં જોઈ પિતા રાજેશ કુમારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જે.પી. રોડ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. ઘટના બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે.પી.રોડ પોલીસ મથકના તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આયુષે ક્યાં કારણથી આત્મહત્યા કરી છે તે હજી જાણવા મળ્યું નથી. તેના રૂમમાંથી કોઈ સુસાઇડ નોટ પણ મળી નથી.
યુવાન પુત્રના આપઘાતથી પરિવારની સ્થિતિ હૃદયદ્રાવક બની હતી. સયાજી હોસ્પિટલમાં પુત્રના મૃતદેહને જોઈ માતા વલોપાત કરતી નજરે પડી હતી. માતાએ પિતાના ખભા પર માથું મૂકી કહ્યું હતું કે, ગઈકાલે જ પુત્ર આયુષ કહેતો હતો કે તે 23 વર્ષની ઉંમરે એન્જિનિયરિંગ પૂરું કરશે.
ત્યારબાદ IIM કરવાનો છે. અને ત્યારબાદ UPSCની તૈયારી કરવાનો હતો. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે, હું UPSCની તૈયારી વખતે જોબ નહિ કરું. ત્યારે મેં તેને કહ્યું હતું કે, તારે ક્યાં જોબ કરવાની જરૂર છે અમે છીએ ને! ભગવાને મારી ગોદ સૂની કરી નાખી. હવે હું કેવી રીતે જીવીશ.
જાણવા મળ્યું છે કે, ઓ.પી. રોડ પર આવેલા ભદ્રલોક ફ્લેટના સી ટાવરના 9માં માળેથી કૂદી આયુષે આત્મહત્યા કરી હતી. ધડાકા સાથે થયેલા અવાજને પગલે સિક્યોરિટી ગાર્ડ ત્યાં દોડી ગયા હતા. બનાવથી અજાણ પરિવારને 9માં માળે પહોંચી સિક્યોરિટી ગાર્ડે જાણ કરતા પરિવારના હોંશ ઊડી ગયા હતા. આ દરમિયાન તેઓ રડતાં રડતાં નીચે દોડી આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.