G20 સમિટ પહેલા દિલ્હીમાં શિવલિંગ આકારના ફુવારા લગાવાતા વિવાદ- જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ?

Published on Trishul News at 12:00 AM, Wed, 6 September 2023

Last modified on September 6th, 2023 at 12:02 AM

Delhi Shivling Fountain News: 9 અને 10 સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી G20 કોન્ફરન્સ માટે રાજધાનીને સુશોભિત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં રાજધાનીમાં શિવલિંગના આકારમાં પાણીના ફુવારા લગાવવામાં આવ્યા છે. પરંતુ હવે આ ફુવારાઓને લઈને જ વિવાદ ઉભો થયો છે.(Delhi Shivling Fountain) ભાજપે દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારને આ માટે જવાબદાર ગણાવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ શિવલિંગનું અપમાન કરવા બદલ ભાજપને ભીંસમાં મૂક્યું છે.

પરંતુ હવે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે, આ શિવલિંગ વાસ્તવમાં રાજસ્થાનના કારીગરોએ બનાવેલી કલાકૃતિઓ છે. આ શિવલિંગ નથી. આપણા દેશમાં નદીઓ અને વૃક્ષોની પૂજા કરવામાં આવે છે. આ ફુવારાઓમાં હવે જો કોઈ શિવલિંગ જુએ તો સારી વાત છે. મને આના પર કોઈ વાંધો નથી પરંતુ આના પર કોઈ વિવાદ ન થવો જોઈએ. જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી કહે છે કે, અમે શિવલિંગની પૂજા કરીએ છીએ અને તેને સ્વચ્છ પાણીથી અભિષેક કરવામાં આવે છે, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નર તેનો ઉપયોગ બ્યુટિફિકેશન માટે કરી રહ્યા છે.

આ મામલે હવે આમ આદમી પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર અને બીજેપી પર પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે આ મામલે એફઆઈઆર કેમ નોંધવામાં નથી આવી રહી? AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ભાજપે શિવલિંગ ફૂવારા મુદ્દે દિલ્હીના PWD મંત્રી વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી હતી, પરંતુ જેવી જ ખબર પડી કે આ બધું ઉપરાજ્યપાલના નિર્દેશ પર થયું છે, ત્યારે અચાનક બધાએ મૌન સેવી લીધું.

તેમણે કહ્યું કે, અમારી પાર્ટીના નેતાઓએ આ મામલે લેફ્ટનન્ટ ગવર્નર વિરુદ્ધ FIR દાખલ કરવા માટે દિલ્હી પોલીસને ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં NGTના આદેશ હેઠળ ફુવારાઓમાં સ્વચ્છ પાણીનો ઉપયોગ કરી શકાતો નથી પરંતુ તેના બદલે ગટરના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી ઉપરાજ્યપાલે જે કર્યું છે તે પાપ છે અને તેના માટે તેમણે માફી માંગવી જોઈએ.

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, મોદીજીના નેતૃત્વમાં શિવલિંગનું અપમાન થયું અને ભાજપના બેશરમ લોકો મોદીના વખાણ કરી રહ્યા છે. દિલ્હીના એલજી શિવલિંગનો અનાદર કરીને તાળીઓ લૂંટી રહ્યા છે. ભાજપે દેશની માફી માંગવી જોઈએ અને એલજી સામે કાર્યવાહી કરવી જોઈએ.

હિન્દુ મહાસભા જેવા સંગઠનોએ પણ શિવલિંગ ધરાવતો ફુવારો હટાવવાની માંગ કરી છે. હિંદુ સેનાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને દિલ્હીની સડકો પર લગાવેલા શિવલિંગ આકારના ફુવારા તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે.

Be the first to comment on "G20 સમિટ પહેલા દિલ્હીમાં શિવલિંગ આકારના ફુવારા લગાવાતા વિવાદ- જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ?"

Leave a comment

Your email address will not be published.


*