રાજકોટમાં હૈયું હચમચાવતી ઘટના: માત્ર 9 માસની બાળકીને માતાએ એસિડ પીવડાવી પોતે કર્યો આપઘાત, જનેતાનું મોત

Rajkot News: રાજકોટના ઉપલેટાના(Rajkot News) ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું.…

Rajkot News: રાજકોટના ઉપલેટાના(Rajkot News) ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. ગૃહ કંકાશના કારણે પરિણીતાએ આ પગલું ભર્યા બાદ પતિને ફોન કરી જાણ કરતાં પરિવારજનો ઘરે દોડી ગયા હતાં અને માતા પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ પરિણીતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે માસુમ પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે પરિણીતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

માતાએ પોતાની 9 મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યું
ફરિયાદી જગાભાઈ ગાંડાભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઉપલેટાના ભીમોરા ગામે રહી મજૂરી કામ કરું છું. મારે સંતાનમાં એક દીકરી છે જેની ઉંમર 9 માસની છે. મારા લગ્ન મઘરવાડા ગામે રહેતા ધનાભાઈ નારણભાઈ જાપડાની દીકરી મનિષા સાથે આજથી 2 વર્ષ પહેલાં અમારી જ્ઞાતિના રીતરિવાજ મુજબ થયેલ હતાં. વધુમાં જણાવ્યું હતું કે,મારી પત્નીનો મગજ વધારે તીખો હતો જેમાં ક્યારેક બહારગામ જવા બાબતે કહે તો મારે તેને બહારગામ જવા દેવી પડતી હતી. દરમિયાન કાલે મારી પત્ની કોઇ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોય તે સમય દરમ્યાન પોતે જાતેથી એસીડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસીડ પીવડાવ્યું હતું.

મનિષાએ આવેશમાં આવી આવું પગલું ભર્યું
વધુમાં જણાવ્યું હતું કે, જોકે, સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ ઘેલાભાઇ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે. હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોઇ તે સમય દરમિયાન પોતે જાતે એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ તો મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું.

ક્રોધી સ્વભાવ અને સાસુ – વહુ વચ્ચે થતા ઝઘડાથી સુમીએ પગલું ભર્યું
પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળેલ કે, સુમીનો સ્વભાવ ક્રોધી હતો. ઉપરાંત સાસુ-વહુ વચ્ચે પણ ઝઘડા થતા હતા. બહારગામ જવા બાબતે પતિ-પત્ની વચ્ચે રકઝક થતી હતી. આ ઘર કંકાશના કારણે સુમીએ પોતે એસિડ પી, 9 માસની દીકરીને પણ પીવડાવી દીધું હતું.

પોલીસે મહિલાના મૃતદેહનું પીએમ કરાવ્યું
હાલ ઉપલેટા પોલીસે મહિલાના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, આ અંગે આપઘાતનું ચોક્કસ કારણ પરિવારજનો જાણતા ન હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.