- ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટરના ચેરમેન IIMના પ્રો. અરવિંદ સહાય તેમજ હેડ સુધીશ નામબિયાથે પોલિસીનો મુસદ્દો સરકારને સોંપ્યો.
- ગોલ્ડ પોલિસી 2019ના વર્ષમાં અમલમાં આવશે તો સોનાના વ્યાપારમાં ધરમૂળ પરિવર્તન થશે જેમાં આઇઆઇએમ અમદાવાદનો મુખ્ય ફાળો.
- સોનાના ખરીદ-વેચાણમાં પારદર્શિતા આવે અને છેતરપિંડી અટકે તે નવી પોલિસીનો મુખ્ય ઉદ્દેશ.
- જ્વેલરી અને સોનાનો અસંગઠિત ઉદ્યોગ નવી પોલિસીથી સંગઠિત બનશે.
સોનાના ભાવમાં રહેલી વિસંગતતા, જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ અને સોનાની ગુણવત્તા સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે ભારત સરકારે નવી ગોલ્ડ પોલિસી લાવવાનો નિર્ણય કર્યો છે. આ માટેના તમામ પાસાઓ ચકાસી અને ઇન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરી, પોલિસીને લગતા તમામ સૂચનો ભેગા કરી તેનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી સરકારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી બનેલા ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને આપી હતી. IGPCએ આ પોલિસીને લગતો મુસદ્દો તૈયાર કરીને સરકારને સોંપી દીધો છે.
આ સેન્ટર ઘણા લાંબા સમયથી સરકારને તેમજ ગોલ્ડ અને જ્વેલરી ઉદ્યોગને સલાહ સૂચનો કરતું આવ્યું છે તથા ઇન્ડસ્ટ્રીને લગતા રિસર્ચ પણ કરે છે. IIMAના ગોલ્ડ પોલિસી સેન્ટરે અગાઉ પણ સરકારને પોલિસી બનાવવા માટે મદદ કરેલી છે અને સરકારે પણ તેના સૂચનોને સ્વીકાર્યા છે. આ પોલિસીમાં એક મુદ્દો ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ બનાવવાનો છે. દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે. તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે.
ગોલ્ડ પોલિસીની જરૂરિયાત કેમ?
આઇજીપીસીના ચેરમેન અરવિંદ સહાયે જણાવ્યુ કે, હાલમાં સોના અને જ્વેલરીનો બિઝનેસ અસંગઠિત છે અને સરકાર ઈચ્છે છે કે તે સુવ્યવસ્થિત અને ઓર્ગેનાઇઝ્ડ બને. આ સાથે જ લોકો સાથે જે છેતરપિંડી થાય છે અને ટેક્સ ચોરી થાય છે સરકાર સમક્ષ આવે તેના માટે સરકારે ગોલ્ડ પોલિસી બનાવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત સોનાના ભાવોમાં સમાનતા આવે, સોનાને લગતી લેવડ-દેવડમાં પારદર્શિતા આવે, લોકોને તેમની પાસે રહેલા સોનાનો મહત્તમ બેનિફિટ મળે જેવા કારણોસર એક નક્કર ગોલ્ડ પોલિસી હોવી જરૂરી છે.
પોલિસી મેકિંગમાં તમામ સ્ટેકહોલ્ડર્સ સામેલ
સરકારે આ પોલિસી બનાવવા માટે એક વિશેષ સલાહકાર સમિતિ બનાવી હતી જેમાં ગોલ્ડ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ ક્ષેત્રના લોકો જેમ કે, સોનાના આયાતકાર, જ્વેલર્સ, પોલિસી મેકર, બજારના નિષ્ણાતો સહિતનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આ તમામ લોકો પાસેથી તેમની અપેક્ષાઓ અને ઉદ્યોગના ફાયદા માટેના અભિપ્રાય માગવામાં આવ્યા હતા. પોલિસી બનાવવામાં IGPC ચેરમેન અરવિંદ સહાય, IGPC હેડ સુધીશ નમ્બિયાથ, WGCના મેનેજીંગ ડાઇરેક્ટર સોમસુંદરમ પીઆર અને ઇન્ડસ્ટ્રી વતી પાર્કર બુલિયનના હરેશ આચાર્યએ મુખ્ય રોલ ભજવ્યો હતો. જેઓ વખતોવખત આઈઆઈએમ-અમદાવાદ ખાતે મળીને ચીન, અમેરિકા, સિંગાપોર અને લંડન સહિતના દેશોમાં સોના અને તેને લગતા વ્યવસાયો માટેના નિયમો અને પોલિસીનો અભ્યાસ કરી, તેમાં ભારતીય જરૂરિયાત મુજબ ફેરફાર કરીને નવી પોલિસી કેવી બની શકે તે અંગે ચર્ચા કરી તેનું ફોર્મેટ તૈયાર કર્યું હતું.
પોલિસીમાં ચાર મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત
અરવિંદ સહાયે જણાવ્યુ કે, ગોલ્ડ પોલિસી બનાવવા માટે જે સૂચનો મળ્યા છે, તેના પરથી તૈયાર કરવામાં આવી રહેલા ફ્રેમવર્કમાં મુખ્ય ચાર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આની અંદર માત્ર ઉદ્યોગ કે જ્વેલર્સને લગતી બાબતો જ નથી, પરંતુ તેમાં ગ્રાહકો અને રોકાણકારોને પણ ફાયદો થાય તેવી બાબતોને સમાવી લેવામાં આવી છે. આ ચાર મુદ્દાઓ નીચે મુજબ છે.
ગોલ્ડ મોનેટાઇઝેશન: આ યોજના અગાઉ પણ હતી પરંતુ તેનું સંચાલન બેન્કો દ્વારા થતું હોવાથી તેમજ તેનું અમલીકરણ યોગ્ય રીતે નહીં થવાથી લોકો તરફથી પ્રતિસાદ ખૂબ જ નબળો મળ્યો હતો. આની પાછળનો ઉદ્દેશ્ય એવો છે કે લોકો પાસે જે વધારાનું સોનું છે તે બહાર આવે અને દેશની આયાતનું ભારણ થોડું ઘટે. આનાથી લોકોને પણ ફાયદો થશે અને સોનામાં રોકાણ પણ વધશે. નવી પોલિસી હેઠળ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કિમ પણ રિ-લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે અને તેમાં જ્વેલર્સ પણ ગોલ્ડ મોનેટાઇઝેશન હેઠળ લોકો પાસેથી સોનું મેળવી શકશે.
ગોલ્ડ એક્સચેન્જ: આ પોલિસીમાં એક મુદ્દો ભારતમાં ગોલ્ડ એક્સચેન્જ બનાવવાનો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ના સહયોગથી આ ગોલ્ડ એક્સચેન્જ બનશે. દેશમાં અત્યારે સોનાના ભાવ નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી અને એટલે જ દરેક શહેરોમાં ભાવ અલગ અલગ હોય છે અને તેમાં પણ બે શહેરો કે રાજયોના ભાવ વચ્ચે મોટો તફાવત રહે છે. ગોલ્ડ એક્સચેન્જ બનવાથી સોનાના ભાવમાં સમાનતા આવશે. બજારમાં પ્રાઇસ મિકેનિઝમ આવશે અને તેનો સીધો જ લાભ ગ્રાહકોને મળશે. સ્પોટ એક્સચેન્જ પર ફિઝિકલ અને વર્ચ્યુઅલ ગોલ્ડ (ડિમેટ એકાઉન્ટમાં જમા હોય પણ ભૌતિક સ્વરૂપે ન હોય તેવું સોનું) બંનેનું ખરીદ-વેચાણ થઈ શકશે. આ ઉપરાંત ગોલ્ડ ટ્રેડિંગ થશે તેનાથી સરકારને પણ આવક થશે.
હોલમાર્કિંગ: સોનાની શુદ્ધતાના માપદંડ માટે સરકાર હોલમાર્કિંગ ફરજિયાત કરવાનું વિચારી રહી છે. નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ હોલમાર્કિંગ વગરનું સોનુ વેચાય છે, જેના લીધે સોનામાં ભેળસેળ કે તેની શુદ્ધતાને લઈને વારંવાર ચર્ચા ઊભી થઈ છે. આ ઉપરાંત સોનું કે ઘરેણાં વેચાણના સમયે પણ ગ્રાહક સાથે છેતરપિંડી થતી હોય છે. હોલમાર્કિંગ ફરજિયાત બનશે તો આ બધામાં ઘટાડો થશે.
બુલિયન ટ્રેડિંગ: ભારતમાં સોનું ક્યાંથી અને કેટલા પ્રમાણમાં આવે છે તેની ખબર સરકારને હોય છે, પરંતુ આ સોનું ક્યાં વપરાય છે અને તેનો ઉપયોગ શું થાયછે તેની કોઈ માહિતી સરકારને મળતી નથી. સોનાના બિઝનેસમાં આના કારણે પારદર્શિતાનો અભાવ છે. સરકાર એવુ ઈચ્છે છે કે નાના વેપારીઓ પણ સોનાનો રેકોર્ડ રાખે જેથી કરીને ઇન્ડસ્ટ્રીમાં ઓર્ગનાઇઝ્ડ રીતે કામગીરી થાય. સોનાની આયાત, ડિસ્ટ્રિબ્યુશન, વપરાશ, વેચાણ સહિતના પાસાઓને આમાં આવરી લેવામાં આવશે.
ઘરઆંગણે જ્વેલરી માર્કેટને પ્રોત્સાહન મળશે
એડવાઈઝરી કમિટીના સભ્ય અને પાર્કર બુલિયનના હરેશ આચાર્યએ જણાવ્યુ કે, WGCના આંકડા મુજબ ભારત દર વર્ષે અંદાજે 800 ટન સોનું આયાત કરે છે. નવી તૈયાર થયેલી ગોલ્ડ પોલિસી માત્ર સોના, ચાંદી કે ઘરેણાંના વેચાણને લગતી નહીં હોય, પરંતુ તેમાં ગોલ્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા તમામ પાસાંઓ જેમ કે, જ્વેલરી મેકિંગ, આર્ટ અને ડિઝાઇન, ટ્રેનિંગ, રોકાણ, આયાત અને નિકાસ સહિતની બાબતો આ પોલિસીમાં સમાવવામાં આવી છે.
ભારતમાં સોનાની વાર્ષિક આયાત (ટનમાં)
વર્ષ | આયાત |
2009 | 644 |
2010 | 947 |
2011 | 1005 |
2012 | 915 |
2013 | 740 |
2014 | 756 |
2015 | 939 |
2016 | 524 |
2017 | 867 |
2018 | 766 |