મતદાન પહેલા જ ભાજપ ઉમેદવાર પર જીવલેણ હુમલો, ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદાન પહેલા જ રાજ્યમાં હોબાળો મચી જવા પામ્યો હતો.…

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ત્યારે મતદાન પહેલા જ રાજ્યમાં હોબાળો મચી જવા પામ્યો હતો. નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી ભાજપ(BJP)ના ઉમેદવાર પિયુષ પટેલ(Piyush Patel) પર અજાણ્યા લોકો દ્વારા હુમલો(attack) કરવામાં આવ્યો હતો. હુમલામાં પિયુષ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ:
અત્રે ઉલ્લેખનીય છે કે, પિયુષ પટેલ પર હુમલા અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા મતદાન પહેલા સંપૂર્ણ પ્લાનિંગ સાથે આ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પિયુષની સાથે રહેલા 4 થી 5 ભાજપના કાર્યકરો પણ ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ સાથે કાફલામાં રહેલા 3 થી 4 વાહનોને પણ નુકસાન થયું છે.

કોંગ્રેસ વિરુદ્ધ કર્યા હતા સૂત્રોચ્ચાર:
મળતી માહિતી અનુસાર, હુમલા બાદ ભાજપના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. વાંસદા તાલુકાના ઝરી ગામમાં અજાણ્યા લોકો દ્વારા એક વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં પિયુષ અને ભાજપના કેટલાક કાર્યકરો મુસાફરી કરી રહ્યા હતા.

આજે રાજ્યની 182 બેઠકોમાંથી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. લોકશાહીના આ પર્વને ઉજવવા માટે લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્યના 19 જિલ્લાના 25 હજાર 430 મતદાન મથકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થયું છે. પ્રથમ તબક્કામાં 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો સાંજના 5 વાગ્યા સુધી પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરી શકશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ 788 ઉમેદવારોનું ભાવિ આજે EVMમાં કેદ થશે.

788 ઉમેદવારોનું ભાવિ EVMમાં થશે કેદ:
પ્રથમ તબક્કામાં કુલ 11 મંત્રી, ભાજપ, આપ અને કોંગ્રેસના 266 ઉમેદવારો સહિત 788 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. કુલ 89 બેઠકોમાંથી 14 બેઠક આદિવાસી અને દલિત માટે રિઝર્વ રાખવામાં આવી છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 જેટલા બૂથ ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 15,416 બૂથ ગામડાઓમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.

5 ડિસેમ્બરે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *