મતદાન બાદ PM મોદીનો અનોખા અંદાજ; કોઈએ રાખડી બાંધી, લોકોને મળ્યા અને ભૂલકાઓ રમાડ્યા તો કોઈએ…

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન કર્યું. તમે ટીવી પર વીડિયો પણ જોયો જ હશે. કડક સુરક્ષા હેઠળ પીએમ અને ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન મથક પર પહોંચ્યા હતા. પીએમએ(PM Narendra Modi) કેન્દ્રની બહાર ઉભેલા કેટલાક લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા.PM મોદી વોટિંગ બાદ લોકોને પણ મળ્યા હતા. જ્યાં તેઓ એક પ્રજ્ઞાચક્ષુ મહિલાનું અભિવાદન ઝીલવા માટે પહોંચ્યા હતા. તેમણે મહિલાના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ પણ આપ્યા હતા. તે સિવાય તેઓ લોકોને પણ મળ્યા હતા. દરમિયાન તેમણે એક નાના બાળક પર વ્હાલ પણ વસાવ્યું હતું.

PM મોદીએ વોટિંગ બાદ મીડિયા સાથે વાત કરી હતી
ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. PM મોદીએ વોટિંગ બાદ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “આજે ત્રીજા ચરણનું મતદાન છે. હું દેશવાસીઓને વિશેષ રૂપે આગ્રહ કરીશ કે, લોકતંત્રમાં મતદાન એ સામાન્ય દાન નથી. આપણાં દેશમાં દાનનું એક માહાત્મ્ય છે અને તે જ ભાવથી દેશવાસી વધુમાં વધુ મતદાન કરે. આજે ત્રીજા ચરણનું મતદાન છે. હજુ લગભગ 3 અઠવાડિયા ચૂંટણી અભિયાન ચાલશે. હું ગુજરાતી મતદાતા તરીકે અહીંથી જ નિયમિત મતદાન કરું છું.”

ઇલેક્શન કમિશનને અભિનંદન પાઠવ્યા
આ સાથે તેમણે ઇલેક્શન કમિશનને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, “આજે ગુજરાતમાં લોકતંત્રનો ઉત્સવ છે. આનંદની વાત એ છે કે, પહેલા બે ચરણોમાં જે મતદાન થયું છે. તે બદલ હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષાદળોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ. પહેલા બે ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાને આવી છે. નહીં તો આપણને ખબર છે કે, પહેલાં ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો.”

પ્રજ્ઞાચક્ષુ મહિલાને મળ્યા, રાખડી બંધાવી
મીડિયા સાથે વાત કર્યા બાદ PM મોદી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. તેઓ લોકોને મળવા માટે પહોંચ્યા હતા. તેમને જોવા માટે અનેક લોકો રસ્તાની આજુબાજુ ઘેરાઈ વળ્યા હતા. દરમિયાન વડાપ્રધાનનું ધ્યાન એક પ્રજ્ઞાચક્ષુ મહિલા પર પડ્યું હતું. તેઓ પ્રજ્ઞાચક્ષુ મહિલાને મળવા માટે તેમની પાસે ગયા અને તેમની સાથે વાતચીત પણ કરી. આ ઉપરાંત તેમણે મહિલાના માથા પર હાથ રાખીને તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. દરમિયાન તેમણે SPG કર્મચારીને ચિંતા ના કરવા માટે પણ કહ્યું હતું.

નાના ભૂલકા પર વરસાવ્યો વ્હાલ, બાળકોને આપ્યા ઓટોગ્રાફ
એ ઉપરાંત વડાપ્રધાન મોદી બાળકોને ઓટોગ્રાફ આપતા પણ નજરે પડ્યા હતા. તેમણે બાળકો સાથે મસ્તી-મજાક પણ કર્યું હતું. સાથે જ તેમણે એક નાના બાળકને હાથમાં તેડીને વ્હાલ પણ વરસાવ્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાનને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકો PM મોદીને મળવા માટે ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા હતા.

દરમિયાન તેમણે બાળકો સાથે વાતચીત કરી હતી અને બાળકોને ઓટોગ્રાફ પણ આપ્યા હતા. આ સાથે જ તેમણે બાળકોના માથા પર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા હતા. નોંધવું જોઈએ કે, PM મોદીએ અમદાવાદના રાણીપમાં 7:40 કલાકે મતદાન કર્યું હતું.