ખાખીની તૈયારી કરતાં ઉમેદવારોની મૂંઝવણ દુર: ગુજરાત પોલીસ ભરતી પરીક્ષા ની તારીખ જાહેર, જુઓ ક્યારે આવશે પરિણામ; કેટલા ફોર્મ ભરાયા

Gujarat Police Recruitment: હવે, 12મા ધોરણના વિદ્યાર્થીઓ અને કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ગુજરાત પોલીસ દળમાં વિવિધ જગ્યાઓ માટે ઑનલાઇન અરજી કરી શકે છે. આ પોસ્ટ્સમાં નિઃશસ્ત્ર પોલીસ સબ ઈન્સ્પેક્ટર, બિનહથિયાર પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ, આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (SRPF), અને જેલ કોન્સ્ટેબલ ક્લાસ-III કેડરનો સમાવેશ થાય છે, જેમાં કુલ 12,472 જગ્યાઓ ઉપલબ્ધ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની આ જાહેરાત આ શૈક્ષણિક તબક્કાના વિદ્યાર્થીઓ માટે મહત્વની છે, કારણ કે હવે તેમની પાસે ભરતી પરીક્ષા(Gujarat Police Recruitment) માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તક છે. 30 એપ્રિલ સુધી PSI અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે. તો વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.

વહેલીતકે ફોર્મ ભરી લેવા હસમુખ પેટેલે જણાવ્યું
આ વખતે આપણે બારમા ધોરણની માર્કશીટ મુજબ નામ લખવાનું એવું નક્કી કર્યુ છે. જેથી ડુપ્લિકેટ અરજીઓ થવાનું પ્રમાણ ઓછું થશે તેવું આપણે માનીએ છીએ. જે પણ ઉમેદવારો અરજી કરવા માંગે છે તેમણે પોતાની અરજી ઝડપથી કરી લેવી જોઇએ. છેલ્લા દિવસે કેટલાક ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે તેમનું ફોર્મ અપલોડ થતુ નથી. આ સાથે છેલ્લા ત્રણ દિવસ ફોર્મ ભરવામાં ભારે ભીડ રહી હતી. આ વખતે એવું ના થાય તેથી ઉમેદવારો વહેલામાં વહેલા તકે ફોર્મ ભરી લે.

PSIની પરીક્ષાનું ઓગષ્ટમાં જાહેર થશે
આ ભરતીની નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે જ્યારે જાન્યુઆરી 2025માં શારીરિક કસોટીનું પરિણામ આવશે. બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે. પરિણામની વાત કરીએ તો PSIની પરીક્ષાનું ઓગષ્ટ અને લોકરક્ષકની પરીક્ષાનું પરિણામ એપ્રિલ 2025માં જાહેર થશે.

‘હેલ્પલાઇન શરૂ કરવામાં આવી’
હસમુખ પટેલે જણાવ્યુ કે, ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરી છે. વેબસાઇટ પર ઉમેદવારો મનમાં આવે તેવા પ્રશ્નોના જવાબ મુકેલા છે. આ ઉપરાંત વીડિયો બનાવીને પણ મુક્યા છે. છતાં પણ ઉમેદવારો માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.આ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે, ઉમેદવારોની રજૂઆત એવી હતી કે, જે લોકો જીપીએસસીની પરીક્ષા આપેલી હોય કે આપવાના હોય તે લોકો આમા અરજી કરી શકે છે કે કેમ. જે ઉમેદવારો બારમાની અથવા તો સ્નાતકની પરીક્ષા પાસ થઇ ગયા હશે, આ ઉમેદવારો વંચિત ન રહી જાય તે માટે ચોમાસા પહેલા જ્યારે પરીક્ષા લેવાની છે તે પહેલા આવા ઉમેદવારોને એક તક આપીશું. જે ઉમેદવાર સ્નાતકના છેલ્લા વર્ષમાં છે તેવા લોકોએ પણ અત્યારે જ અરજી કરવાની છે.

3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ
PSI તથા લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલનું ટ્વીટ પણ કર્યું છે.પીએસઆઇ માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરીની પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. 30 એપ્રિલ સુધી OJASની વેબસાઈટ પર ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે.