Gujarat constable video viral after lose in gambling:આજકાલ લોકોમાં ઓનલાઈન ગેમની લત એક ક્રેઝ બની ગઈ છે. કોઈ લોકો પોતાના શોખ માટે તો કોઈ લોકો આર્થિક સ્થિતિ સુધારવા માટે ઓનલાઈન ગેમની લતમાં પૈસાનો જુગાર રમે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો મોડાસાથી સામે આવ્યો છે. મોડાસામાં એક પોલીસકર્મી ઓનલાઈન ગેમની જાળમાં ફસાતો ગયો હતો અને પોતાના માથે 24 લાખનું દેવુ કરી બેઠો હતો.
જ્યારે પોલીસકર્મી પાસે દેવું ચુકવવાના બધા રસ્તા બંધ થયા ત્યારે તેણે એક વીડિયો વાઇરલ કર્યો હતો જેમાં રાજ્યના ગ્રુહમંત્રી હર્ષ સંધવી (Harsh Sanghavi) ને આજીજી કરી હતી કે, આ દલદલમાંથી બહાર નીકળવામાં મદદ કરે. પોલીસકર્મીએ વીડિયો વાઇરલ કર્યા બાદ જ ફોન સ્વીચ ઓફ કરી ઘર છોડી દીધું હતું. પરંતુ પોલીસે કર્મીને શોધી કાઢી પરિવારને સુપ્રત કર્યો હતો.
મળેલી માહિતી અનુસાર પોલીસકર્મીનું નામ નવઘણભાઈ ભરવાડ છે, તેઓ અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની છે અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવે છે. નવઘણભાઈ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. ઓનલાઈન ગેમની લત ના કારણે અગાઉ રૂપિયા 8 લાખનું દેવું થઇ ગયું હતું.
દેવું થઈ જતા 8 લાખનું દેવું પરિવારજનોએ માંડ માંડ ભરી દીધું હતું, પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ ફરી એક વાર 24 લાખનું દેવું કરી દીધું છે. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણભાઈએ 24 કલાક પહેલા મોબાઇલ પર વીડિયો બનાવી Harsh Sanghavi ને મદદ માટે આજીજી કરી હતી અને ત્યાર બાદ પોતાના મોબાઇલને સ્વીચ ઓફ કરી ઘર છોડી દીધું હતું.
વાઇરલ વીડિયોમાં પોલીસકર્મીએ પહેલા પોતાનો પરિચય આપ્યો હતો. નવઘણભાઈ દેવાભાઈ ભરવાડએ કહ્યું હતું કે, હું નવઘણભાઈ બક્કલ નંબર 733, મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોકરી કરું છું, ગૃહમંત્રી Harsh Sanghavi સાહેબને હું એક રિક્વેસ્ટ કરવા માંગુ છું, સાહેબ ઓનલાઈન ગેમમાં હું 24 લાખના દેવામાં ફસાઈ ગયો છું. વધુમાં નવઘણભાઈએ કહ્યું કે સાહેબ હાલનો મારો પગાર 30 હજાર છે, હું એમાંથી દર મહિને 15 હજાર ભરવા તૈયાર છું. પણ સાહેબ આ દલદલમાંથી હું બહાર નીકળવા માંગુ છું. વીડિયોના અંતે રડતા અવાજે નવઘણભાઈ બોલે છે કે, સાહેબ આપના સુધી આ મેસેજ પહોંચે તેવી આશા રાખું છું, સાહેબ હવે હું થાકી ગયો છું.
Gujarat constable video viral after lose in gambling
અરવલ્લીના DySP કે.જે. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, નવઘણભાઇ દેવાભાઇ ભરવાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો માં તેણે કહ્યું હતું કે, હું આપઘાત કરવા માટે પ્રેરાયો છું પણ જો મને મદદ મળશે તો હું મારુ અમૂલ્ય જીવન બચી જશે. કોન્સ્ટેબલ નવઘણભાઇ ભરવાડ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી ઘરેથી તેમજ પોલીસ સ્ટેશનથી ભાગી ગયા હતા. પરંતુ પોલીસે તેમણે શોધીને પરિવારને હવાલે કર્યા હતા. હાલની યુવા પેઢીએ આમાથી શીખ મેળવવા જેવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.