24 કલાકમાં 170 તાલુકામાં મેઘરાજાની બઘડાટી: સૌથી વધુ દાંતીવાડામાં સવા 4 ઈંચ વરસાદ- જુઓ ક્યાં કેટલો વરસાદ

Rain In Gujarat: ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના(Rain In Gujarat) કેટલાક વિસ્તારોને મેઘરાજાએ રીતસરના ધમરોળી નાંખ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 170 તાલુકાઓમાં વરસાદ પડી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતીવાડામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી છે.

બનાસકાંઠાના દાંતીવાડામાં 24 કલાકમાં સવા 4 ઈંચ વરસાદ પડતા પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે દાંતીવાડા ડેમમાં પણ વરસાદી પાણીની આવક થઈ છે. તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

આ વિસ્તારમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ બનાસકાંઠાના દાંતીવાડા ઉપરાંત નડિયાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી દીધી છે. અહીં છેલ્લા 24 કલાકમાં સવા 3 ઈંચ પડ્યો છે. જ્યારે મહુધામાં 2.5 ઈંચ, ડીસામાં 2.5 ઈંચ, ગોધરામાં 2 ઈંચ, ડોલવણમાં પોણા 2 ઈંચ, રાધનપુરમાં 1.5 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 1.5 ઈંચ, દાંતા અને પલસાણામાં 1.5 ઈંચ, મહુવામાં 1.5 ઈંચ અને ખેડામાં પણ 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ માતર અને દિયોદરમાં 1.5 ઈંચ, ઉમરેઠમાં સવા ઈંચ, સુબિરમાં સવા ઈંચ, મહેમદાવાદ સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, ઠાસરામાં સવા ઈંચ, કપડવંજમાં સવા ઈંચ વરસાદ પડ્યો છે.

ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી ગણાતી ઓરસંગ નદી બે કાંઠે થઈ છે. આ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસ નદીમાં 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ ડેમ 86.62 ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે. બનાસ નદીમાં પાણી છોડાતાં આજુબાજુના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વકસાદ વરસ્યો છે. કચ્છમાં સૌથી વધુ 134 ટકા અને સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના 43 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ, 94 તાલુકાઓમાં 20થી 40 ઈંચ અને 104 તાલુકાઓમાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *