હૈદરાબાદની ઘટના બાદ દેશભરમાં દુષ્કર્મ આચારનારાઓ વિરુદ્ધ લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકશાહીનું મંદિર ગણાતા સંસદભવનથી માંડીને દેશના ખૂણે ખૂણામાં મહિલાઓ વિરુદ્ધ થતા અત્યાચારના પડઘા પડી રહ્યા છે. દુષ્કર્મનાં મામલામાં પ્રધાનમંત્રી જે ગુજરાત મૉડલની ડંફાસો મારતા હતા, તે ગુજરાત રાજ્ય પણ પાછળ નથી. છેલ્લા 3 મહિનામાં ગુજરાતમાં દુષ્કર્મના 84 કેસો નોંધાયા. જેમના 20 કેસ તો ભારતના 7માં નંબરના શહેર અને ‘ડાયમંડ હબ’ ગણાતા સુરતમાં નોંધાયા છે.
ગુજરાત પોલીસ પાસેથી મળેલા આંકડા પ્રમાણે, 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધીમાં ગુજરાતમાં દુષ્કર્મના 80 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધુ ઘટનાઓ સુરતમાં નોંધાઈ છે. જે બાદ રાજકોટ 11 ઘટનાઓ સાથે બીજા નંબર પર છે. તે પછી વડોદરામાં 9 અને અમદાવાદમાં 7 ઘટના નોંધાઈ છે. 84 કેસોમાંથી 40 દુષ્કર્મ પીડિતાઓ સગીરા છે અને એમાં પણ 15 પીડિતાઓની ઉંમર 10 વર્ષથી પણ ઓછી છે.
એક માત્ર નવેમ્બર મહિનામાં ગુજરાતમાં દુષ્કર્મની 24 ઘટનાઓ નોંધાઈ છે. એમાં પણ સૌથી વધુ ઘટનાઓ સુરતમાં 9 અને રાજકોટમાં 4 કેસો નોંધાયા છે. અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં પણ એકથી બે દુષ્કર્મની ઘટના સામે આવી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદાને બાદ કરીએ તો, નવસારી, ભરૂચ, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં દુષ્કર્મના કોઈ કેસો નોંધાયા નથી. નર્મદા જિલ્લામાં એક ફરિયાદ દાખલ થઈ છે.
સુરતમાં સૌથી વધુ કેસો નોંધવાનું એક કારણ નાગરિકોની જાગૃતતા પણ હોઈ શકે. એવું પણ હોય કે સુરતના નાગરીકો વધુ જાગૃત અને નિર્ભીક હોવાને કારણે ગભરાયા વગર અપરાધીઓ સામે ફરિયાદ લખાવી ન્યાય માંગતા હોય. જયારે અલ્પ વિક્સિત જિલ્લાઓમાં ઓછી જાગૃતતા હોવાને કારણે દુષ્કર્મની ઘટનાઓ ફરિયાદ લખાવ્યા વગર જ દબાઈ જતી હોય. નાગરિકોએ નિર્ભીક પણે ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખી કોઈ પણ અપરાધ બને તો પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવી જોઈએ.