How close Biparjoy came to Gujarat: અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય ચક્રવાત (Cyclone Biparjoy) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુરુવારે સાંજે વાવાઝોડુ ગુજરાત (Gujarat) ના દરિયાકિનારે ટકરાશે. આજે સવારે 05:30 કલાકની સ્થિતિ મુજબ વાવાઝોડુ દ્વારકાથી 290 કિમી, જખૌ બંદરથી 280 કિમી, પોરબંદરથી 350 કિમી અને નલિયાથી 310 કિમી દૂર છે. હાલની સ્થિતિ પ્રમાણે પોરબંદર, દ્વારકાના દરિયા કિનારાથી વાવાઝોડુ દૂર જઈ રહ્યું છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન બિપરજોય 15 જૂને ગુજરાતના કચ્છમાં ત્રાટકશે, પરંતુ તે પહેલા જ સમુદ્રમાં ઉથલપાથલ મચી ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના 8 જિલ્લામાં હાઈ એલર્ટ છે. કેન્દ્ર સરકાર આ સમગ્ર મામલે સતત નજર રાખી રહી છે. કેન્દ્રીય મંત્રીઓને મોનિટરિંગ માટે અલગ-અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાનની મહત્તમ અસર આજે જોવા મળશે. હવામાન વિભાગે ગુજરાતના દ્વારકા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડાની અસરને જોતા અત્યાર સુધીમાં 8 જિલ્લામાંથી 37,794 લોકોને ખસેડવામાં આવ્યા છે. તોફાનનો સામનો કરવા માટે NDRFની 15 ટીમો અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા મળેલી અપડેટ મુજબ, ચક્રવાત બિપરજોય 13 જૂનના રોજ રાત્રે 11:30 વાગ્યે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર દેવભૂમિ દ્વારકાના લગભગ 300 કિમી WSW અક્ષાંશ 21.7N અને રેખાંશ 66.3E નજીક સ્થિત છે. તે જ સમયે, ટ્રેકરના નવીનતમ અપડેટ મુજબ, ચક્રવાતી તોફાન બિપરજોય હાલમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બિપરજોય, જે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બની ગયું છે, તે ગુરુવારે (15 જૂન) બપોરે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક પહોંચશે, પવનની મહત્તમ ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાકની હશે. દરિયાકાંઠે અથડાયા બાદ તેની ગતિ ધીમી પડી જશે.
લેન્ડફોલ પહેલા ચક્રવાત બિપરજોયની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં જોવા મળશે. IMDએ જણાવ્યું હતું કે કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં 15 જૂને મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે જ્યારે નજીકના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 15 જૂનની સવાર માટે, IMD એ 120-130 કિમી પ્રતિ કલાકની ઝડપે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. બુધવાર સાંજ સુધી દરિયાની સ્થિતિ પણ અત્યંત ખરાબ રહેવાની શક્યતા છે.
ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ ચક્રવાતને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ સાવચેતીના પગલા તરીકે શહેરમાં બે વધારાની ટીમો તૈનાત કરી છે. પશ્ચિમ અને પૂર્વ ઉપનગરોમાં અંધેરી અને કાંજુરમાર્ગ વિસ્તારોમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.