સુરત(Surat): શહેરના હીરાબાગ સર્કલ(Hirabag Circle) પાસે ગઈકાલે રોજ રાત્રે કાળજું કંપાવી નાખે તેવી ઘટના બની હતી. જે ઘટનામાં રાજધાની ટ્રાવેલ્સ(Rajdhani Travels) લક્ઝરી બસમાં આગ લાગતાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી. મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરની મૃતક મહિલા પતિ સાથે લગ્ન પછી હનિમૂન માટે ગોવા(Goa) ફરવા માટે ગઈ હતી. ગોવાથી પરત ફરી સુરતથી ભાવનગર(Bhavnagar) જવા માટે નીકળ્યાં હતાં. આ દરમિયાન બસમાં આગ ફાટી નીકળી હતી, જેમાં પતિ વિશાલ નવલાની સળગતી બસની બારીમાંથી કુદવામાં સફળ રહ્યો હતો, જ્યારે તેની પત્ની તાનિયા બારીમાં જ ફસાઈ જતાં આગમાં સળગી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. અત્રે નોંધનીય છે કે સુરતથી નીકળતાં પહેલાં પતિ-પત્નીએ એક તસવીર લીધી હતી, જે હવે તેમના માટે અંતિમ તસવીર બની ગઈ છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગરના રતાલ કેમ્પસમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન થોડા સમય અગાઉ જ તાનિયા નામની યુવતી સાથે થયા હતા. કપલે ગોવા ખાતે હનિમૂન મનાવવા જવા માટે તેમણે સુરતથી આવવા-જવાની ફ્લાઇટ બુક કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરથી તેઓ સુરતમાં આવ્યાં અને પછી સુરતથી તેઓ ફ્લાઈટમાં ગોવા જવા માટે નીકળી ગયાં હતાં. ગઈ કાલે તેઓ ગોવાથી સુરત આવ્યાં અને રાત્રે રાજધાની નામની લક્ઝરી બસમાં બેસી ભાવનગર પાછા ફરી રહ્યા હતા.
લક્ઝરી બસ વરાછામાં હીરાબાગ પાસે પહોચી ત્યારે અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી અને બસમાં બેસેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ દરમિયાન વિશાલ સળગતી હાલતમાં બસની બારીમાંથી બહાર કૂદી ગયો હતો અને તેની પત્ની તાનિયા બસમાં જ ફસાઈ ગઈ હતી. જેને કારણે આ ભીષણ આગમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. વિશાલને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જાણો શું હતી સમગ્ર ઘટના:
હીરાબાગ(Hirabag) નજીક મંગળવારે એટલે કે ગઈકાલે મોડી રાત્રે લકઝરી બસ(Luxury bus)માં અચાનક જ આગ(Fire bus) લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટતા ગણતરીની સેકન્ડોમાં જ આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો પોતાનો જીવ બચાવવા માટે બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા અંદર જ ફસાઈ જતાં તે આગમાં જીવતી સળગી ગઈ હતી.
જાણવા મળ્યું છે કે, બસમાં મોબાઇલ ચાર્જિંગ માટેના પણ યુનિટ્સ ન આપવામાં આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે તેને કારણે પહેલા શોર્ટસર્કિટ થયું અને ત્યારબાદ અચાનક જ આગ ભભકી ઉઠી હતી. આગ લાગ્યા પછી બસના નીચેના ભાગમાં તાપમાન વધી ગયું હતું અને તરત જ એસીનું કમ્પ્રેસર ફાટતા જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટ અને બસમાં સૂવા માટે ગોઠવાયેલી ફોમની ગાદીને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
લકઝરી બસના ડ્રાઇવરના કહ્યા અનુસાર, હીરાબાગ નજીકથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને મારી બસની નજીક આવ્યો અને મને કહેવા લાગ્યો કે તમારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળી રહ્યા છે, એટલે મેં તાત્કાલિક જ બસ ઊભી રાખી અને પાછળના ભાગમાં જઈને જોયું તો એટલીવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.