કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે વડાપ્રધાન મોદી જ્યારે રાજકારણમાંથી નિવૃત્તિ લેશે એજ દિવસે તેઓ પણ રાજકારણને અલવિદા કહી દશે. જોકે, તેમણે એવું પણ કહ્યું હતું કે મોદી હજી અનેક વર્ષો સુધી રાજકારણમાં રહેશે.
રવિવારે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કરી છે. અહીં સ્મૃતિ ઈરાનીને પૂછવામાં આવ્યું છે કે, 2019માં ભાજપ સત્તામાં આવશે કે નહીં? આ વિશે સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે, લોકોને એવું લાગે છે કે, મોદીજી રાજકારણમાં વધારે સમય નહીં રહે, પરંતુ મને વિશ્વાસ છે કે, તેઓ રાજકારણમાં ઘણાં વર્ષો રહેશે.
મહારાષ્ટ્રના પુનામાં આયોજિત ‘વર્ડ્સ કાઉન્ટ ફેસ્ટિવલ’માં હાજર રહેલા કેન્દ્રીય મંત્રીને એક વ્યક્તિએ જ્યારે પૂછ્યૂં કે તેઓ ક્યારે ‘પ્રધાન સેવક’ (પીએમ) બનશે ત્યારે તેના જવાબમાં સ્મૃતિએ કહ્યું હતું કે, ‘ક્યારેય નહીં. હું રાજકારણમાં સારા નેતાઓ સાથે કામ કરવા માટે આવી છું, હું આ મામલે ખૂબ જ ભાગ્યશાળી છું કે મને દિવંગત નેતા અટલ બિહાર વાજપાયી સાથે કામ કરવાનો મોકો મળ્યો છે. આ મારા માટે ગર્વની જ વાત છે. હવે હું નરેન્દ્ર મોદી સાથે કામ કરી રહી છું.’
અમેઠીથી ચૂંટણી લડવાનો નિર્ણય પાર્ટી કરશે
2019ની લોકસભા ચૂંટણી લડવાના સવાલ પર સ્મૃતિએ કહ્યું કે, હું અમેઠીથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડીશ કે નહીં તેનો નિર્ણય ભાજપ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ કરશે. તેમણે કહ્યું કે, 2014ની લોકસભા ચૂંટણી વખતે મને અમેઠીના લોકો બહુ નહતા ઓળખતાં પરંતુ હવે બધા મને ઓળખે છે કે હું કોણ છું.
2014માં લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અને કુમારક વિશ્વાસ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા. જોકે અહીં રાહુલ તેમની સીટ જીતવામાં સફળ રહ્યા હતા.