ગાંધીનગર(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલી હત્યાની ઘટના દરમિયાન ફરીવાર એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગાંધીનગરના દહેગામમાં પ્લાસ્ટિકની ફેક્ટરીના માલિકની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, એક 20 વર્ષીય પરપ્રાંતીય મજૂર ફેક્ટરીના માલિક પર પાઇપ લઇને તૂટી પડ્યો હતો. આરોપી મજૂર પર કોઇ ઝનૂન ચડ્યું હોય એમ એક પછી એક 37 જેટલા ફટકા માલિકના માથા અને શરીરના ભાગે માર્યા હતા.
આ દરમિયાન, ગંભીર રીતે ઘાયલ થતાં પીડિત ગૌતમ પટેલનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ ઉપયોગમાં લેવાયેલી પાઇપ ત્યાં જ ફેંકી મજૂર ભાગી ગયો હતો. પહેલા 13 ફટકા માર્યા બાદ તે પરત આવ્યો હતો અને શેઠનું ઢીમ ઢાળી દીધું હોવા છતાં વારંવાર તેમના પર વધુ 24 ઘા માર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા સીસીટીવીના આધારે હત્યાના ગુનામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ વિડીયોમાં પર પ્રાંતીય યુવકની બર્બરતા જોઈ સામાન્ય દિલનો માણસ ધ્રૂજી ઉઠશે. પોતાના શેઠને માથામાં લોખંડની પાઈપનાં 13 ફટકા માર્યા બાદ પણ નોકરને સંતોષ મળ્યો ન હતો. થોડીવારમાં ફરી પાછો ફેકટરીના યુનિટમાં આવીને પેહલા લાઈટો બંધ કરી દે છે. બાદમાં પાઈપ લઇને ફરીવાર ઉપરા છાપરી ગૌતમભાઈને માથામાં ફટકા મારવાનું ચાલુ કરી દે છે.
જાણવા મળ્યું છે કે, શેઠનું ઢીમ ઢાળી દીધું હોવા છતાં અખિલેશ વારંવાર તેમના પર વધુ 24 ઘા મારતો રહે છે. જાણે કોઈ બાબતની ખુન્નસ કાઢતો હોય અને વચ્ચે-વચ્ચે મૃતકના ખિસ્સા પણ ફેંદી રહ્યો હોય છે. વાઈરલ થયેલા બીજા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, નોકર કોઈ વસ્તુ શોધતો રહેતો હોય છે અને તે નહીં મળી આવતા ગુસ્સામાં વારંવાર શેઠ ઉપર ઘા કરતો રહે છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રહેતા 50 વર્ષીય ગૌતમ પટેલ દહેગામ જીઆઇડીસી ખાતે શ્રી હરિ પાઇપ ફેક્ટરી ધરાવે છે. જેનું સંચાલન તેમના અન્ય બે ભાઈ પણ કરી રહ્યા છે. જેથી રાત્રિ દરમિયાન ત્રણેય ભાઈમાંથી કોઇ એક ભાઈ ફેકટરીમાં રાત્રે રોકાતા હતા. આશરે 15 દિવસ પહેલાં 20 વર્ષીય અખિલેશ નામનો પરપ્રાંતીય યુવાન પત્ની અને નાની બાળકી સાથે ફેક્ટરી પર આવ્યો હતો અને તે ત્યાં નોકરી કરવા લાગ્યો હતો. આ યુવકને ફેક્ટરીમાં જ રહેવા માટે જગ્યા આપી હતી.
મળતી માહિતી મુજબ, ગૌતમભાઈ અને તેમના અન્ય બે ભાઈઓ રાત્રે ફેક્ટરીમાં રોકાતા હતા. ગઇકાલે ગૌતમભાઈ ફેક્ટરી પર રાત્રે રોકાવા માટે આવ્યા હતા અને રાબેતા મુજબ ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા. જે ફેક્ટરીમાં લાગેલા સીસીટીવીમાં જોઇ શકાય છે. ગૌતમભાઈ નિરીક્ષણ કરી રહ્યા હતા તે દરમિયાન અખિલેશ ત્યાં આવ્યો હતો અને તેઓ કંઇ સમજે એ પહેલા જ તેણે માથા પર પાઈપ ફટકારી હતી જેથી ગૌતમભાઈ જમીન પર ઢળી પડ્યા હતા.
વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગૌતમ પટેલ જમીન પર ફસડાઈ પડ્યા પછી પણ અખિલેશ એ હદે ઝનૂની થઇ ગયો હતો કે એક પછી એક પાઇપના ફટકા મારવા લાગ્યો હતો. ગૌતમભાઈની હત્યા નીપજાવી અખિલેશ પત્ની અને બાળકીને લઇને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે.કે. રાઠોડ સ્ટાફના માણસો સાથે ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.