જમ્મુ-કાશ્મીર, પૂંચમાં આતંકીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો, 3 અઠવાડિયામાં બીજી વખત સુરક્ષાદળોને નિશાન બનાવાયા

Jammu and kashmir poonch terrorists attack: જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં શુક્રવારે આતંકવાદીઓ દ્વારા ભારતીય સેનાના વાહન પર હુમલાની ઘટના સામે આવી છે. શુક્રવારે સાંજે પૂંચ જિલ્લાના ખાનેતર વિસ્તારમાં આતંકવાદીઓએ (Jammu and kashmir poonch terrorists attack) સેનાના વાહનો પર હુમલો કર્યો હતો. જે બાદ જવાનોએ જવાબી કાર્યવાહી કરવી પડી હતી. હજુ સુધી કોઈ ઈજા કે મૃત્યુના અહેવાલ નથી. હાલ ગોળીબાર ચાલુ છે. સેનાએ વિસ્તારને ખાલી કરાવ્યા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીજી તરફ કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તે હજુ સ્પષ્ટ નથી.

અહેવાલો અનુસાર, પૂંચમાં રોડની નજીક સ્થિત એક પહાડી પરથી સેનાના વાહન પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સેનાના એક વરિષ્ઠ અધિકારીના વાહનને નુકસાન થયું હતું. રિપોર્ટ્સનું માનીએ તો, પીર પંજાલ રેન્જ હેઠળના રાજૌરી અને પુંછ સેક્ટર 2003થી આતંકવાદથી મુક્ત હતા, પરંતુ ઓક્ટોબર 2021થી અહીં ફરીથી મોટા હુમલાઓ શરૂ થઈ ગયા છે. છેલ્લા સાત મહિનામાં અહીં અધિકારીઓ અને કમાન્ડો સહિત 20 ભારતીય જવાનો શહીદ થયા છે. છેલ્લા બે વર્ષમાં આ વિસ્તારોમાં 35થી વધુ જવાનો શહીદ થયા છે.

3 અઠવાડિયામાં બીજો હુમલો
છેલ્લા ત્રણ સપ્તાહમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકી હુમલો છે. આ પહેલા રાજૌરીના ડેરા ગલીમાં બે સૈન્ય વાહનો પર ઓચિંતા હુમલામાં ચાર જવાનો માર્યા ગયા હતા અને પાંચ અન્ય ઘાયલ થયા હતા. આજે સાંજે પ્રથમ હુમલાના સ્થળથી લગભગ 40 કિલોમીટર દૂર સેનાના વાહનો પર હુમલો થયો હતો.

21 ડિસેમ્બરે થયેલા આતંકી હુમલામાં ચાર જવાનો શહીદ થયા હતા
ગયા મહિને, 21 ડિસેમ્બરે, આતંકવાદીઓએ પૂંચ જિલ્લામાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના ચાર જવાન શહીદ થયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે સૈનિકોને વાહનોમાં કોર્ડન અને સર્ચ ઓપરેશનના સ્થળે લઈ જવામાં આવી રહ્યા હતા.

આતંકવાદીઓએ સુરનકોટ પોલીસ સ્ટેશન હેઠળના ડેરા કી ગલી અને બાફલિયાઝ વચ્ચેના ધત્યાર જંક્શન પર લગભગ 4.45 વાગ્યે આંધળો હુમલો કર્યો હતો, જેની જવાબદારી પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પાંખ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ દ્વારા લેવામાં આવી હતી.