રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલ હત્યાના બનાવો દરમિયાન ફરીવાર રાજકોટ(rajkot) શહેરમાંથી હત્યાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં, 150 ફૂટ રિંગ રોડ પરની આશ્રય ગ્રીનસિટી(Greencity) નજીક એક યુવક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. યુવાન હોસ્પિટલ(Hospital) પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. જે યુવકની હત્યા કરવામાં આવી હતી તે યુવકે સાંજે 5 વાગ્યે તેના વતન બલરામપુર(Balrampur) ઓનલાઇન 5 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને રાત્રે 9 વાગ્યે તેનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. ત્રણ શખ્સ શંકાના દાયરામાં આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ફોર્ચ્યુન હોટેલ પાછળ આશ્રય ગ્રીનસિટી ગેટ-2 નજીક આવેલા ગેરેજ નજીક એક યુવક રાત્રીના 9 વાગ્યે દોડતો દોડતો આવ્યો હતો અને કાર સાથે અથડાઇને ઢળી પડ્યો હતો. રાહદારી મહિલાઓ યુવકની સ્થિતિ જોઇ બૂમાબૂમ કરવા લાગતાં ગેરેજમાં કામ કરી રહેલા સાવન ચૌહાણ બહાર દોડી આવ્યા હતા. અંદાજે 30 વર્ષના યુવકને ગળાના ભાગે ઊંડો ઘા જોવા મળ્યો હતો અને લોહી વહેતું હતું. સાવન ચૌહાણે ફોન કરતાં 108 દોડી આવી હતી અને યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
રાજકોટમાં કુહાડીના ઘા જીકતા યુવક બચવા માટે દોડ્યો, લથડિયા ખાતો કાર સાથે ધડકાભેર અથડાયો, મોત #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate pic.twitter.com/RMyf5icOc6
— Trishul News (@TrishulNews) September 16, 2021
આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળા અને ક્રાઇમ બ્રાંચનો કાફલો તાત્કાલિક દોડી ગયો હતો. મૃતકના ખિસ્સામાંથી મવડી વિસ્તારમાં આવેલા શિવમ મોબાઇલ નામની દુકાનનું એક બિલ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવતા મૃતક યુવકે સાંજે 5 વાગ્યે તેના વતન બલરામપુરમાં તેના પરિવારજનને રૂ.5 હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા.
પોલીસ દ્વારા ઘટનાસ્થળ તેમજ આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવતા યુવક જ્યાં ઢળી પડ્યો હતો. તેની આગળની શેરીમાંથી તે દોડતો દોડતો આવ્યો હતો અને તે શેરીમાં ત્રણ શખ્સ દોડીને ભાગતા નજરે પડ્યા હતા. હાલ યુવકની હત્યામાં તે ત્રણ અજાણ્યા શખ્સની સંડોવણીની શંકા સેવાઇ રહી છે. પરપ્રાંતીય યુવકની ઓળખ મળ્યા બાદ હત્યા સુધી દોરી જતી કોઇ કડી મળવાની પોલીસને આશા છે.
મળતી માહિતી મુજબ, જેની હત્યા થઇ તે યુવક ઉત્તરપ્રદેશના બલરામપુરનો હોવાનું પોલીસનો પ્રાથમિક અંદાજ છે તેમજ હત્યારાઓ પણ પરપ્રાંતીય હોવાની શંકા સેવાઇ રહી છે. યુવકની હત્યા કર્યા બાદ પરપ્રાંતીય આરોપીઓ તેના વતન કે અન્ય કોઇ સ્થળે ભાગી જાય તેવી શંકાએ પોલીસને ઘટનાની જાણ થતાં જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશને ટુકડીઓ દોડાવી હતી તેમજ શહેરને જોડતા હાઇવે પર પણ પરપ્રાંતીયોની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.