ICC વર્લ્ડ કપ 2019માં ખેલાડીઓની ઈજાગ્રસ્ત થવાનું હજુ ચાલુ જ છે. શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર બાદ ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકર પણ ઈજાગ્રસ્ત થયો હોવાની વાત સામે આવી રહી છે. રિપોર્ટ મુજબ બુધવારના રોજ વરસાદથી પ્રભાવિત પ્રેક્ટિસ સેશન દરમિયાન તેને પગના અંગૂઠામાં ઈજા થઇ હતી.
જો કે 28 વર્ષીય વિજય શંકરની ઈજા ગંભીર નથી, પરંતુ તેની ઈજાથી ટીમ ઈન્ડિયામાં જરૂર ગભરાહટનો માહોલ છે. બુધવારના રોજ પ્રેક્ટિસ સેશન દરમિયાન જસપ્રીત બૂમરાહની યોર્કર શંકરના પગ પર લાગી હતી, જેના કારણે તેના અંગૂઠાને ઈજા થઇ હતી. શંકર થોડા સમય માટે દુખાવાથી પણ પરેશાન જોવા મળ્યો હતો.
ટીમના સૂત્રોએ ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું છે કે, ચિંતાની કોઇ વાત નથી. બોલ વિજય શંકરના પગમાં લાગ્યો છે અને તે સમયે તેને ખૂબ દુખાવો થયો હતો, પરંતુ હાલમાં તેની ઈજા ઠીક થઇ ગઈ છે.
પરંતુ આ અંગે BCCI તરફથી કોઇપણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ ભારતનો સ્ટાર ઓપનર શિખર ધવન અંગૂઠાની ઈજાને કારણે ટીમની બહાર થઇ ગયો છે અને તેની જગ્યાએ રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સિવાય ભારતીય ટીમના સ્ટાર બોલર ભુવનેશ્વર કુમારને પણ પાકિસ્તાન સામેની મેચમાં બહાર થવું પડ્યું હતું અને તે પણ હજુ રિકવર કરી રહ્યો છે. જો વિજય શંકરની ઈજા ગંભીર હશે, તો ભારત માટે માથાનો દુખાવો બની શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની આગામી મેચ અફઘાનિસ્તાન સામે શનિવારના રોજ છે.
જેમાં કાઈ પણ થઈ શકે છે