ભારતીય ચલણ ‘રૂપિયા (INR)’ માટે આ સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી રૂપિયાનું મૂલ્ય (Indian Rupee Value) ખૂબ જ ઝડપથી નીચે આવ્યું છે. રૂપિયો એક પછી એક નવા નીચા સ્તરે સતત ગગડી રહ્યો છે(Rupee All Time Low). મંગળવારે શેરબજારોમાં આવેલા ઘટાડા વચ્ચે રૂપિયાએ ગગડવાનો નવો રેકોર્ડ બનાવ્યો. રિઝર્વ બેંક (RBI) ના તાજેતરના પ્રયાસો છતાં, રૂપિયો ઉપર જવાનું નામ નથી લઇ રહ્યો અને મંગળવારે શરૂઆતના વેપારમાં તે ડોલર (USD) સામે પ્રથમ વખત 80 થી નીચે ગયો હતો.
આ વર્ષે અત્યાર સુધી આટલો ગગડ્યો રૂપિયો:
ઇન્ટરબેંક ફોરેક્સ એક્સચેન્જના ટ્રેડિંગમાં, રૂપિયો શરૂઆતમાં ગગડ્યો અને ડોલર (USD) સામે 80 ની નીચે ખૂલ્યો. 80ના સ્તરને રૂપિયા માટે મહત્વનો મનોવૈજ્ઞાનિક આધાર માનવામાં આવતો હતો. ઘણા દિવસોથી એવું લાગતું હતું કે, રૂપિયો આ સ્તર તોડીને ઘટાડાનો નવો રેકોર્ડ બનાવી શકે છે. આંકડાઓ પર નજર કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં રૂપિયો લગભગ 7 ટકા નબળો પડ્યો છે. આજે તે શરૂઆતના વેપારમાં ડોલર સામે 80.0175 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા સોમવારે ડોલર સામે રૂપિયો 79.9775 ના સ્તર પર બંધ થયો હતો.
8 વર્ષમાં 25% નીચે ગયો રૂપિયો :
ડોલર સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. અત્યારે મુખ્ય કરન્સીમાં ડોલરની સતત મજબૂતીને કારણે રૂપિયાની સ્થિતિ પણ નબળી પડી છે. લગભગ બે દાયકા પછી, ડોલર અને યુરો મૂલ્યમાં સમાન બની ગયા છે, જ્યારે યુરો સતત ડોલરની ઉપર રહ્યો છે. ભારતીય રૂપિયાની વાત કરીએ તો, ડિસેમ્બર 2014 થી અત્યાર સુધી, તે ડોલરની સરખામણીમાં લગભગ 25 ટકા નબળો પડ્યો છે. એક વર્ષ પહેલા ડોલર સામે રૂપિયો 74.54 ના સ્તરે હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે રૂપિયામાં તાજેતરના ઘટાડાનું કારણ ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારો અને રશિયા અને યુક્રેન વચ્ચે મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધ છે.
ડોલર સામે ઘટી આ કરન્સી:
નાણામંત્રીએ કહ્યું હતું કે, અન્ય ઘણા દેશોની કરન્સી ભારતીય રૂપિયા કરતા વધુ ઘટી રહી છે. તેમણે કહ્યું હતું કે, ‘બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને યુરો જેવી કરન્સી ડોલર સામે રૂપિયા કરતાં વધુ નબળી પડી છે. આ જ કારણ છે કે 2022માં બ્રિટિશ પાઉન્ડ, જાપાનીઝ યેન અને યુરો જેવી કરન્સી સામે ભારતીય રૂપિયો મજબૂત થયો છે.
આ કારણોસર ડોલર વધી રહ્યો છે:
વાસ્તવમાં, બદલાતી પરિસ્થિતિએ સમગ્ર વિશ્વ પર મંદીનું જોખમ ઊભું કર્યું છે. અમેરિકામાં મોંઘવારી 41 વર્ષની ટોચે છે. આને અંકુશમાં લેવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઝડપથી વધારો કરી રહ્યું છે. ફુગાવાના તાજેતરના આંકડા બાદ અમેરિકામાં વ્યાજદરમાં એક ટકાનો વધારો થવાની શક્યતા વધી ગઈ છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારાનો ફાયદો ડોલરને મળી રહ્યો છે. મંદીના ડરથી વિદેશી રોકાણકારો ઊભરતાં બજારોમાંથી નાણાં ઉપાડી રહ્યા છે અને સલામત રોકાણ તરીકે ડૉલર ખરીદી રહ્યાં છે. આ ઘટનાએ ડોલરને અણધારી રીતે મજબૂત બનાવ્યો છે. આ કારણોસર, ઘણા દાયકાઓ પછી પ્રથમ વખત, ડોલર અને યુરો લગભગ સમાન થઈ ગયા છે, જ્યારે યુરો ડોલર કરતાં વધુ મોંઘું ચલણ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.