મોંઘવારી (Inflation)એ તો સામાન્ય માણસની કમર તોડી છે. એવામાં વધુ એક સમાચાર મળી આવ્યા છે. આગામી 13 જૂનથી ગુજરાત બોર્ડની સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે હવે વાલીઓ પણ બાળકોના નવા સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે બાળકોના સ્કૂલ યુનિફોર્મ(School uniform), શૂઝ(Shoes), બેગ(Bag) તથા સ્ટેશનરી (Stationery)નો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે, એવામાં સ્કૂલ ફી સિવાયના આ અન્ય ખર્ચમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે. જેના કારણે સામાન્ય માણસ ખુબ જ પરેશાન છે.
ઓનલાઇન શિક્ષણને કારણે 2 વર્ષ ખર્ચ બચ્યો:
છેલ્લા બે વર્ષથી કોરોના હોવાને કારણે મોટા ભાગના બાળકો સ્કૂલે ગયા નથી. જેથી વાલીઓને માત્ર સ્કૂલની ફીનો જ ખર્ચ થયો હતો. પરંતુ હવે 2 વર્ષ બાદ બાળકો સ્કૂલે જશે, જેથી અન્ય ખર્ચ પણ વાલીઓએ કરવા પડશે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે, તેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ દેખાઇ રહી છે અને તેની વાલીઓના બજેટ પર પણ અસર પડી છે. સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગ તથા સ્ટેશનરીનો ખર્ચ વગેરેમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે.
આ બાબતે સ્કુલ યુનિફોર્મના એક વેપારીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તો કોઈ યુનિફોર્મ લેવા આવ્યું જ નથી, પરંતુ અત્યારે યુનિફોર્મ તૈયાર કર્યા છે તો પણ વધારાને કારણે ઓછું વેચાણ થઈ રહ્યું છે. કારણ કે પહેલા લોકો 3 થી 4 યુનિફોર્મ લેતા હતા, જયારે હવે 2 યુનિફોર્મમાં ચલાવી લેય છે. સ્કૂલ શૂઝના વેપારી મોહમંદ શેઠવાલાએ જણાવ્યું હતું કે દર વર્ષે સ્કૂલ શૂઝના ભાવમાં 2 થી 5 ટકાનો વધારો થાય જ છે. હવે 2 વર્ષ બાદ રો-મટીરિયલ અને GSTમાં વધારો થતાં સ્કૂલ શૂઝના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.
આ સિવાય ગિરીશ દત્ત નામના પુસ્તકોના વેપારીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ કાગળની અછત ઉભી થઈ છે. જેના કારણે પુસ્તકોની કિંમતમાં 25 ટકાનો ધરખમ વધારો થયો છે. હાલ જુના પુસ્તકો જ વધુ વેચાઈ રહ્યા છે અને બજારમાં પણ સન્નાટો છે. અમે વેપારીઓ ગ્રાહકોની જ રાહ જોઈ રહ્યા છીએ. આઉપરાંત સ્કૂલ બેગના વેપારીએ શોએબ શેખે જણાવ્યું હતું કે, 2 વર્ષ ઓફલાઇન ભણતરના કારણે બેગનું વેચાણ થયું નથી ત્યારે હવે ફરીથી સ્કૂલો શરૂ થવાની છે તેને લઈને તૈયારી કરી છે. પરંતુ અમારે બધું મટીરિયલ ઇમ્પોર્ટેડ હોય છે, જેના કારણે બહારથી આવતા મટીરિયલના ભાવ વધ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.