Inspector wasted 21 lakh liters of water to find the phone in Chhattisgarh: એક અધિકારીએ પોતાનો ખોવાયેલો મોબાઈલ શોધવા માટે લાખો લીટર પાણી વેડફી નાખ્યું. આ અધિકારી તેના મિત્રો સાથે પાર્ટીની મજા માણી રહ્યો હતો. ત્યાં તેનો મોબાઈલ પાણીમાં પડી ગયો હતો. એ પણ ડોલ કે નાના-મોટા ખાડામાં નહીં, પણ લાખો લીટર પાણી ભરેલા ડેમમાં… આરોપ છે કે ફોન શોધતી વખતે અધિકારીએ એવો હંગામો મચાવ્યો કે લાખો લિટર ડેમનું પાણી વહી ગયું. મામલો સામે આવતા જ વિભાગે કાર્યવાહી કરી અને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા.
શું હતો મામલો?
અહેવાલ મુજબ આ મામલો છત્તીસગઢના કાંકેર જિલ્લાનો છે. અહીં પરાલકોટ ડેમ બાંધવામાં આવ્યો છે. 21 મેના રોજ કોયલીબેડા બ્લોકમાં તૈનાત ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસ તેના મિત્રો સાથે પાર્ટી માટે બહાર ગયા હતા. તે મિત્રો સાથે ડેમની ટોચ પર ફરતો હતો ત્યારે તેનો સેમસંગ S23 મોબાઈલ ફોન ડેમમાં પડી ગયો હતો. આ પછી નજીકના ગ્રામજનો અને અનેક ગોતાખોરો મોબાઈલની શોધમાં લગાડ્યા હતા.
કલાકોની શોધખોળ બાદ પણ ફોન ન મળતાં ફૂડ ઇન્સ્પેક્ટરે ડેમનું પાણી ખાલી કરવા માટે ડીઝલ પંપ બોલાવ્યો હતો. પંપ ત્રણ દિવસ ચાલ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેમમાંથી કથિત રીતે 21 લાખ લીટરથી વધુ પાણી કાઢવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, રાજેશ વિશ્વાસે કહ્યું, “મેં મારા પોતાના ખર્ચે ડીઝલ પંપ મંગાવ્યો અને પાણી ખાલી કરાવ્યું. જેમાં કુલ 7-8 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. મેં બે-ચાર પાઈપની મદદથી પાણી ખાલી કરાવ્યું.
પાણી ખાલી કરવાની વાત સિંચાઈ વિભાગના અધિકારીઓ સુધી પહોંચતા પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં આ સાહેબનો ફોન મળી ગયો હતો. જે ફોન પણ કામ કરતો બંધ થઇ ગયો હતો.
આ અંગે જળ સંસાધન વિભાગના અધિકારી આર.સી.ધીવરે જણાવ્યું હતું કે, નિયમ મુજબ મૌખિક રીતે પાંચ ફૂટ સુધી પાણી ખાલી કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ દસ ફૂટ પાણી ખાલી થઇ ગયું હતું. આ અંગે રાજેશે કહ્યું, “મેં પાણી ખાલી કરવાની મૌખિક પરવાનગી લીધી હતી. જ્યારે મેં સ્થાનિક પંચાયત સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે આ પાણીનો ઉપયોગ થતો નથી. માત્ર ત્રણ ફૂટ પાણી ખાલી થઈ ગયું હતું. આમાં મેં કોઈપણ પ્રકારના પદનો લાભ લીધો નથી.
ફોનમાં ખાતાકીય માહિતી હતી!
રિપોર્ટ અનુસાર, જ્યારે ફૂડ ઈન્સ્પેક્ટર રાજેશ વિશ્વાસને પૂછવામાં આવ્યું કે ફોનની શું જરૂર છે, તો તેમણે કહ્યું કે ફોનમાં કેટલીક મહત્વપૂર્ણ વિભાગીય માહિતી હાજર છે. રાજેશે વધુમાં જણાવ્યું કે ફોન પૂરતો ઊંડો પડ્યો ન હતો, તેથી તેણે તેને શોધવાનો પ્રયાસ કર્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.