ઈટાલીના પત્રકારનો ચોંકાવનારો ખુલાસો, બાલાકોટ એર સ્ટ્રાઈકમાં આટલા આતંકીઓ મર્યા હોવાનો દાવો

Published on: 8:11 am, Thu, 9 May 19

ઇન્ડિયન એરફોર્સે બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકને પાકિસ્તાન કોઈ પણ કાળે સ્વિકારવા જ તૈયાર નથી ત્યારે ઈટાલીના એક પત્રકારે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં છેક 70 કિલોમીટર અંદર ઘુસીને એર સ્ટ્રાઈક કરી હતી. પરંતુ આ મામલે કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ સવાલ ખડા કર્યા હતા. તે દરમિયાન જ ઈટાલીના પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ આ ઘટનાનું આખુ વર્ણન STRINGERASIA.IT માં છાપીને દેશ અને દુનિયામાં ભારે સનસનાટી મચાવી દીધી છે.

ઈટાલીના પત્રકાર ફ્રાંસેસ્કા મૈરિનોએ વેબસાઈટ STRINGERASIA.IT પર લખ્યું કે ભારતીય વાયુસેનાના દ્વારા કરાયેલી એર-સ્ટ્રાઈકમાં ઘાયલ થયેલાં આતંકવાદીઓમાંથી 45 આતંકવાદીઓની સારવાર હજી પણ ચાલું છે અને સારવાર દરમિયાન 20 જેટલાં આતંકવાદીઓના મોત થયા છે.

મૈરિનોએ પોતાની વેબસાઈટ પર એમ પણ લખ્યું કે પાકિસ્તાની સેનાની ટુકડી દ્વારા બાલાકોટથી જખ્મી લોકોને આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ભારતની વાયુસેનાએ સાડા ત્રણ વાગ્યે આ હુમલો કર્યો હતો. ત્યારબાદ સવારે 6 વાગ્યે સેનાની ટુકડી આ ઘટનાસ્થળે પહોંચી હતી. પાકિસ્તાન આ ઘટનાને લઈને દુનિયાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

મૈરિનોએ આગળ ઉમેર્યું હતું કે, સેનાની ટુકડી હુમલાના દિવસે જ સવારે 6 વાગ્યે બાલાકોટમાં જ્યાં એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી ત્યાં પહોચી ગઈ હતી. શિંકયારી બાલાકોટથી 20 કિલોમીટર દૂર છે અને અહીં પાકિસ્તાન આર્મીનો બેઝ કેંપ પણ છે. અહીં પાકિસ્તાની સેનાની જૂનિયર લીડર્સ એકેડમી પણ છે. આર્મીની ટુકડી બાલાકોટ પહોંચતા જ ત્યાં અનેક લોકો પાકિસ્તાન આર્મીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે આર્મી કેંપની હોસ્પિટલમાં હજી પણ લગભગ 45 લોકો સારવાર હેઠળ છે. તે ઉપરાંત સારવાર દરમિયાન 20 જેટલા લોકોના મોત પણ નિપજ્યાં છે.

ઈટાલિયન પત્રકારના જણાવ્યા પ્રમાણે, સારવાર બાદ જે લોકો સાજા થયા તેમને પાકિસ્તાન આર્મીએ પોતાની કસ્ટડીમાં રાખ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી હજી સુધી રજા નથી આપવામાં આવી. અનેક સપ્તાહની ખણખોદ બાદ પોતાના વિશ્વસનીય સૂત્રોની મદદથી આ જાણકારી પત્રકારે હાંસલ કરી છે. પત્રકારના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં જૈશ-એ-મોહમ્મદના અનેક કેડર પણ માર્યા ગયાં. મૃતકોની સંખ્યા 130-170 સુધીની હોઈ શકે છે. આ મૃતકોમાં એ પણ શામેલ છે જેમના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ઈટાલીન પત્રકાર મૈરિનોએ આગળ ઉમેર્યું હતું કે, જે કેટડર (આતંકી) માર્યા ગયા તેમાં 11 ટ્રેનર પણ શામેલ છે. મૃતકોમાં કેટલાક બોમ્બ બનાવવામાં નિષ્ણાંત તો કેટલાક હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપનારા લોકો પણ હતાં. જે પરિવારના લોકો આ હુમલામાં માર્યા ગયા, તેમના તરફથી કોઈ જ જાણકારી લીક ના થાય તેનો જૈશ-એ-મોહમ્મદે પાક્કો બંદોબસ્ત કર્યો છે. મૃતકોના ઘરે જઈને જૈશના આતંકવાદીઓને વળતર પણ ચુકવી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ખૈબર પખ્યૂનખ્વા પ્રાંતમાં પડતા બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી કેમ્પ પર ભારતીય વાયુસેના તરફથી હુમલા કરવાની યોજના બનાવવામાં 200 કલાક કરતા પણ વધારેનો સમય લાગ્યો હતો. ભારતમાં કોઈ બીજી જગ્યાએ પણ કરવામાં આવનારા આત્મઘાતી હુમલાની ગુપ્ત જાણકારી બાદ આ હુમલાની યોજના બનાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.