રાજકોટમાં દીકરીના જન્મદિવસે જાડેજા પરિવારે માતા-પિતાની છત્રછાંયા ગુમાવનાર 5 દીકરીને દત્તક લીધી 

રાજકોટ(ગુજરાત): દીકરી એ ઘરનો દીવડો પણ હોય છે. દીકરીએ મા-બાપનો શ્વાસ છે. જેને સમય આવ્યે લીધા વગર પણ નથી ચાલતું અને સમય આવ્યે છોડ્યા વગર પણ નથી ચાલતું. હાલમાં રાજકોટના જાડેજા પરિવારે પોતાની દીકરીનો પ્રથમ જન્મ દિવસ ઉજવવાને બદલે એક એવો નિર્ણય લીધો કે સમાજને પ્રેરણા પુરો પાડી રહ્યો છે. જાડેજા પરિવારે આજે કોરોનામાં માતા-પિતાની છત્રછાંયા ગુમાવી હોય તેવી 5 દીકરીને દત્તક લીધી અને તેના શિક્ષણની પણ જવાબદારી ઉઠાવી છે.

જાણવા મળ્યું છે કે, રાજકોટના જે.એમ.જે. ગ્રુપના મયૂરધ્વજસિંહ જાડેજાના પરિવારમાં આજે અનેરો આનંદ અને ઉત્સાહ છે. કારણ કે, આજે તેમની દીકરીનો જન્મદિવસ છે અને આ દિવસને જાડેજા પરિવાર યાદગાર બનાવી દીદીનો દીદીને વ્હાલ આપીને અનોખી ઉજવણી કરી રહ્યો છે. મોટા ભાગના દરેક ઘરમાં એક દીકરી તો હોય જ છે. દીકરી જ્યારે એક વર્ષની થાય ત્યારે પરિવારમાં ખુશીનો પાર નથી રહેતો ત્યારે રાજકોટના જાડેજા પરિવારની દીકરી વનિશાબાએ આજે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ દરમિયાન, મયૂરધ્વજસિંહ જાડેજાએ તેમની લાડકીના જન્મદિવસને સામાજિક દાયિત્વનો અવસર બનાવી વધાવવાનો અનોખો નિર્ણય કરવામાં આવ્યો છે.

મયૂરધ્વજસિંહ દ્વારા આજે સામાજિક અભિયાનના ભાગરૂપે ‘દીદીનો દીદીને વ્હાલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનામાં માતા-પિતાનું છત્ર ગુમાવનાર રાજકોટ શહેરની પાંચ દીકરીઓ વાલી બની પ્રાથમિક શિક્ષણથી માંડી કોલેજ સુધીના અભ્યાસની તમામ ફીની જવાબદારી ઉપાડવા જાડેજા પરિવાર દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ અંગે મયૂરધ્વજસિંહએ જણાવ્યું હતું કે, આજે મારી દીકરીના જન્મ દિવસને યાદગાર બનાવી અનોખી ઉજવણી કરવા નિર્ણય કર્યો છે. આજે 5 દીકરીઓને દત્તક લઇ તેમના શિક્ષણની જવાબદારી ઉઠાવી છે. આ 5 માંથી 1 દીકરી નર્સિંગનો અભ્યાસ કરી રહી છે અને તેની પણ કોલેજ ફી અને આગળ અભ્યાસની ફી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 81 બીજા બાળકો કે જેમને કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા છે તેમને પ્રધાનમંત્રી વીમા કવચ પ્રીમિયમ ભરપાય કરી આપવામાં આવશે. જેથી આગળ જતા બાળકોને મેડિકલ ઇમરજન્સી આવે તો વીમા કવચ મળી શકે.

આ સાથે બાળકોને પ્રતિ માસ રાજકોટ સહિત આસપાસના સ્થળોએ તદ્દન નિઃશુલ્ક પીકનીક પર લઇ જવાની જવાબદારી પણ જાડેજા પરિવારે લીધી છે. જાણવા મળ્યું છે કે, જે.એમ.જે. ગ્રુપ દ્વારા સામાજિક યોગદાનરૂપે ડિસેમ્બર 2019માં 86 દિકરીઓને કરિયાવર સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન, કોરોનાકાળની પ્રથમ લહેરમાં પ્રતિદિન અનેક લોકોને ભોજન અને કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના બાટલાની અથાગ સેવા જેવા કાર્યો પણ સમાજને અર્પણ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *