વધુ ચાર સપુતે ઓઢ્યું તિરંગાનું કફન…જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 જવાનો શહીદ

Jammu Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સોમવાર રાતથી આતંકીઓ સાથે સેનાનું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં સેનાના એક અધિકારી સહિત પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી મંગળવારે સવારે એક આર્મી ઓફિસર અને ત્રણ જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાઇફલ્સ (RR) અને જમ્મુ અને કાશ્મીર પોલીસ (JK પોલીસ) ના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ સાંજે લગભગ 7.45 વાગ્યે દેસા જંગલ વિસ્તારમાં (Jammu Kashmir Terrorist Attack) ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે એન્કાઉન્ટર શરૂ થયું હતું.

દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે જમ્મુ અને કાશ્મીરની જમીની સ્થિતિ અને ડોડામાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન અંગે વાત કરી હતી.

જંગલમાં છુપાયો હોવાના સમાચાર મળ્યા
સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં વધારાની ટુકડીઓ મોકલવામાં આવી છે અને છેલ્લી માહિતી મળે ત્યાં સુધી ઓપરેશન ચાલુ હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી બાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ એન્કાઉન્ટરની પુષ્ટિ કરી હતી, પરંતુ કહ્યું હતું કે વધુ માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે.

ટ્વીટ કરીને માહિતી આપી હતી
સેનાની 16મી કોર્પ્સ, જેને ‘વ્હાઈટ નાઈટ કોર્પ્સ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે સોશિયલ મીડિયા સાઈટ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, ‘વિશિષ્ટ ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન ચાલુ છે.’ ડોડાના ઉત્તરી સેક્ટરમાં ભારતીય સેના અને જેકેપી દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આજે રાત્રે લગભગ 9 વાગ્યે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં ભારે ગોળીબાર થયો હતો. પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે અમારા બહાદુર સૈનિકો ઘાયલ થયા છે.

રાત્રે ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો
સેનાના એક અધિકારીને ટાંકીને મળેલી માહિતી મુજબ સોમવારે રાત્રે આતંકીઓ સાથે ગોળીબાર બંધ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારે વહેલી સવારે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું, જે હજુ પણ ચાલુ છે.