ખોલવડમાં રૂપિયાની લેતી દેતીમાં થયેલી હત્યાના આરોપીને કામરેજ પોલીસે દબોચી લીધો

દિનેશ પટેલ: કામરેજ: ધરમ કરતા ધાડ પડી તે કહેવત કામરેજ તાલુકાના ખોલવડ ગામે સાચી પડી છે. રુપિયા 70000ની લેતી દેતીની લડાઈમાં 2 લોકો લડાઈ કરતા…

દિનેશ પટેલ: કામરેજ: ધરમ કરતા ધાડ પડી તે કહેવત કામરેજ તાલુકાના ખોલવડ ગામે સાચી પડી છે. રુપિયા 70000ની લેતી દેતીની લડાઈમાં 2 લોકો લડાઈ કરતા હતા.બાદમાં ઝપાઝપી કરતા આ બંનેને ઓળખીતો યુવાન બંનેને છોડાવવા વચ્ચે પડ્યો હતો.તે દરમિયાન આરોપીએ આવેશમાં આવીને તેને છાતીના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા,જે બાદ આ વચ્ચે પડેલા યુવકનું મોત નીપજ્યું હતું.જે અંગે પોલીસને ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

શૈલેશભાઈને છાતીના ભાગે ચપ્પુ મારી આરોપી ફરાર થયો

મૂળ સૌરાષ્ટ્રના અને હાલ કામરેજના ખોલવડ ખાતે આવેલ વર્ણી વિલા સોસાયટીના મકાન નં 9 ખાતે રહેતા 43 વર્ષીય શૈલેશ વસૌયા માધવભાઈના નાના ભાઈ પ્રવીણ વસોયા સાથે કામ કરે છે. ખોલવડની ઓપેરા પેલેસના ગેટ પાસે શૈલેશ વસોયાનો મિત્ર પ્રફુલ ડોબરિયાએ ઓપેરા પેલેસ ખાતે રહેતા વૈભવ ફૂલાભાઈ સિંગાળા નામના વ્યક્તિને 70 હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે આપેલા 70 હજાર રૂપિયાની ઉઘરાણી કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.

આ દરમિયાન વૈભવ સિંગાળાએ અપશબ્દો બોલતાં સ્થળ ઉપર હાજર શૈલેશભાઈ અને જગદીશભાઈ અને શ્યામભાઈ સહિતના વ્યક્તિઓએ વૈભવને અપશબ્દો બોલવાની ના પાડી હતી. તેથી વૈભવ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પેન્ટના ખિસ્સામાંથી ધારદાર ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન શૈલેશભાઈને છાતીના ભાગે ચપ્પુ મારવામાં આવ્યું હતું.જે બાદ મરણતોલ ઈજાને લીધે શૈલેષભાઈનું સ્થળ પર કરુણ મૃત્યુ થયું હતું ત્યારે આ ઘટનાના પગલે વૈભવ ઘટના સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો.

આ લડાઈમાં પ્રફુલભાઈ અને શૈલેશભાઈને ઈજા પહોંચી હોવાથી બંનેને સારવાર માટે ખોલવડની હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે શૈલેશભાઈને મૃત જાહેર કર્યા હતાં. મૃતક શૈલેશભાઈના ભાઈ પ્રવીણભાઈ વસોયાએ ખોલવડ ઓપેરા પેલેસના ફ્લેટ નં 303માં રહેતા વૈભવ ફુલાભાઈ સિંગાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.