કારગીલ વિજય દિવસને આજે 20 વર્ષ પૂરા થયા છે તે નિમિત્તે દેશભરમાં કારગિલ વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ઠેરઠેર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે અને આ નિમિત્તે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. 26 જુલાઈ, 1999ના રોજ કારગિલ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો, ત્યારબાદ દર વર્ષે 26 જુલાઈને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલ વિજય દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદે સશસ્ત્ર દળોની વીરતાનું સ્મરણ કતરાં યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે. બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી સપૂતોને નમન કર્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કાવિંદે ટ્વીટર પર લખ્યું કે, કારગિલ વિજય દિવસ, આપણા કૃતજ્ઞ રાષ્ટ્ર માટે 1999માં કારગિલની ચોટીઓ પર પોતાના સશસ્ત્ર દળોની વીરતાનું સ્મરણ કરવાનો દિવસ છે. આપણે આ અવસરે ભારતની રક્ષા કરનારા યોદ્ધાઓના ધૈર્ય તથા શૌર્યને નમન કરીએ છીએ. આપણે તમામ શહીદો પ્રત્યે આજીવન ઋણી રહીશું. જય હિન્દ!’
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન મને કારગિલ જવાની તક મળી હતી. ત્યાં મેં વીર જવાનોની એકજૂથતાને જોઈ. તે સમયે હું જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં પાર્ટી માટે કામ કરી રહ્યો હતો. કારગિલનો આ પ્રવાસ અને સૈનિકો સાથે વાતચીત ક્યારેય નહીં ભૂલી શકું.’
વર્ષ 1999માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખાને પાર કરી ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી અને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ ચોટીઓ પર કબજો કરી લીધો હોત. ત્યારબાદ ભારતે ઓપરેશન વિજય હાથ ધરી તેમને પાછળ ધકેલી દીધા હતા.’ કારગિલમાં 527 ભારતીય સૈનિક શહીદ થયા હતા. લગભગ 1363 ઘાયલ થયા હતા. આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ 300 જવાન માર્યા ગયા હતા.’
નોંધનીય છે કે, કારગિલ યુદ્ધની જીતની જાહેરાત તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 14 જુલાઈએ કરી હતી, પરંતુ ઓફિશિયલ રીતે 26 જુલાઈએ કારગિલ વિજય દિવસની જાહેરાત કરવામાં આવી હતી. આજે રામનાથ કોવિંદ જમ્મુ-કાશ્મીરના દ્રાસ કારગિલ યુદ્ધસ્મારક પર ત્રણે સેનાના વડાઓ અને સેનાના અન્ય ટોચના અધિકારીઓ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. દિલ્હીમાં સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહ અને સેનાના ટોચના અધિકારીઓએ નેશનલ વૉર પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
કારગિલ વિજયની 20મી વર્ષગાંઠનું જશન 25 જુલાઈથી 27 જુલાઈ સુધી મનાવવામાં આવશે. કાર્યક્રમનું સમાપન 27મી જુલાઈએ ઇન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં `કારગિલ વિજય દિવસ ઈવનિંગ’ કાર્યક્રમ સાથે થશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ થશે. કારગિલ વિજય દિન નિમિત્તે આજે મુંબઈમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નૌકાદળના પશ્ચિમ કમાન્ડે આ માટે પહેલ કરી છે. તેમાં ફિલ્મી કલાકારો અને સૈનિકો સાથે ફૂટબૉલની મૅચ પણ રમાશે.
કાર્યક્રમની શરૂઆત આજે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નૌકાદળના કોલાબા પરિસરના હુતાત્મા સ્મારકને પુષ્પચક્ર અર્પણ કરીને કરી હતી. નૌકાદળ કમાન્ડના પ્રમુખ વાઈસ એડમિરલ પી. અજિત કુમાર આ વેળા ઉપસ્થિત હતા. આ પછી નૌકાદળના કાફલામાંના આઈએનએસ મુંબઈ અને આઈએનએસ ચૈન્નઈ અને બે યુદ્ધનૌકા શાળાના વિદ્યાર્થીઓને જોવા માટે ખુલ્લી મુકાઈ હતી. શાળાના માધ્યમથી તે જોવા વિદ્યાર્થીઓની ભારે ગિરદી જોવામાં આવી હતી.
સવારના સત્રના આ બે કાર્યક્રમ પછી સાંજે ફૂટબૉલની મૅચ થવાની છે. નરિમાન પૉઈન્ટના કૂપરેજ મેદાનમાં સાંજે 6:30 વાગ્યે આ મૅચ શરૂ થશે તે પહેલાં નૌકાદળની સામગ્રીનું પ્રદર્શન તેમ જ કારગિલ યુદ્ધસંબંધી માહિતી આપતી ફિલ્મ એ જ ઠેકાણે દેખાડવામાં આવશે.
કારગિલ વિજય દિનના 20મા વર્ષ નિમિત્તે દેશભરમાં `ઊરી-ધ-સર્જિકલ સ્ટ્રાઈક’ ફિલ્મ રજૂ કરવાની સૂચના કેન્દ્ર સરકારે આપી છે. તે અનુસાર રાજ્યોના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યનાં 400 થિયેટરોમાં સવારે 10થી 12 આ ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15થી 25 વર્ષના વયજૂથનાં યુવક-યુવતીઓની હાજરી ધ્યાન ખેંચનારી બની છે.
તસવીર હૈદરાબાદમાં હૈદરાબાદ પબ્લિક સ્કૂલ, બેગમપેટમાં ગુરુવારે કારગિલ દિવસ સમારોહમાં એનસીસી ગર્લ્સ વિંગની વિદ્યાર્થિનીઓએ કારગિલ યુદ્ધના શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી તેની છે.