અત્યંત વિકટ સંજોગો વચ્ચે પણ દ્રઢ મનોબળ રાખીને એક કશ્મીરી યુવતીએ દેશની પ્રતિષ્ઠિત સંસ્થા AIIMSમાં એડમિશન મેળવ્યું હતું, આવી સિદ્ધિ મેળવનારી આ પહેલી કશ્મીરી યુવતી હતી.
જમ્મુ કશ્મીરના રાજૌરી જિલ્લાના સાવ સીમાવર્તી ગામ ધનોરમાં રહેતી ઇરમીમ શમીમ એકદમ ગરીબ પરિવારની પુત્રી છે. એણે સતત સંજોગો સામે લડત આપી હતી. એના ગામની આસપાસ સ્કૂલ સુદ્ધાં નથી. સ્કૂલમાં જવા એ રોજ દસ કિલોમીટર ચાલીને જતી હતી. દસ કિલોમીટર જવાના અને દસ આવવાના. સતત મહેનત અને દ્રઢ મનોબળ દ્વારા એણે અભ્યાસ કર્યો હતો અને AIIMS જેવી પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થામાં મેડિકલમાં એડમિશન મેળવ્યું હતું.
ડૉક્ટર બનીને પોતાના ગરીબ ગ્રામ વિસ્તારની સેવા કરવાની એની મનોકાંક્ષા છે.
શમીમે એક સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું કે મુશ્કેલીઓ તો દરેકના જીવનમાં આવતી હોય છે. મુશ્કેલીઓ સામે લડીને મંજિલ હાંસલ કરવાનો મારો મનસૂબો પહેલેથી હતો. મારે ડૉક્ટર બનીને મારા સમાજની સેવા કરવી છે. એને એડમિશન મળી ગયાના સમાચાર મળતાં એના પરિવાર અને ગામમાં ખુશીનું વાતાવરણ સર્જાઇ ગયું હતું.