ગુજરાતમાં આ જગ્યાએ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા- વરસાદને પગલે આગ ઝરતી ગરમીમાં રાહત

આજે પૂર્વ ભારતના તટવર્તીય ઓરિસ્સા સહિતના રાજ્યોમાં ફેની વાવાઝોડું કહેર વરસાવી રહ્યું છે ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. કચ્છના નખત્રાણામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાડા 3 વાગ્યા આસપાસ અચાનક જ સુસવાટા સાથે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. ત્યારબાદ કાળા ડિબાંગ વાદળો ધેરાયા હતા અને ગણતરીની મિનિટોમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. નખત્રાણા ઉપરાંત આસપાસના ગામોમાં પણ કમોસમી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. નખત્રાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે લોકોને આગ ઝરતી ગરમીમાં રાહત થઈ હતી.

હવામાન વિભાગે થંડર સ્ટોર્મ એક્ટિવિટી ગણાવી:

વાતાવરણમાં આવેલા પલટાને હવામાન વિભાગ થંડર સ્ટોર્મ એક્ટિવિટી ગણાવી રહ્યું છે. આવી સ્થિતિ ત્યારે જ બને છે જ્યારે ગરમી વધી જાય છે અને ગરમ હવાઓને જ્યાં ભેજ મળે ત્યાં અચાનક વાદળા બંધાઈ જાય છે અને કરા સાથે ઝાપટું પડે છે. આ પરિવર્તન કલાક કે દોઢ કલાકમાં પૂર્વવતઃ થઈ જાય છે. મે મહિનામાં જોવા મળતી આ પ્રિમોન્સૂન એક્ટિવિટી કહી શકાય.

આ ઉપરાંત અમરેલીના દરિયાઈ કોસ્ટલ બેલ્ટના ગામમાં જોરદાર પવન ફૂંકાયો હતો. મહુવાથી રાજુલાના હિંડોરણા નેશનલ હાઈવે  પર ધૂળની ડમરીઓ ચડી હતી. વેગીલા પવનના કારણે નેશનલ હાઈવે પર લોકોએ પોતાના વાહનો સાઈડમાં પાર્ક કરવા પડ્યા હતા. અચાનક કોસ્ટલ બેલ્ટના ગામોમાં પવન ફૂંકાતા લોકો ચિંતિત બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *