દેવલીયા પાસે મોડી રાત્રે બાઈક-બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; 3 લોકોને ભરખી ગયો કાળ

Devaliya Accident: છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાત્રે ગોજારો અકસ્માત થયો હતો. જેમાં બોલેરોએ ટક્કર મારતા બાઇક ફંગોળાઈને ઝાડીઓમાં પડ્યું હતું. અકસ્માતની(Devaliya Accident) આ ઘટનામાં બાઇક સવાર ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે બોલેરોમાં સવાર લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

3 લોકોના થયાં મોત
બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર, છોટાઉદેપુરના દેવલિયા પાસે મોડી રાત્રે બાઇક અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. બાલેરોએ ટક્કર મારતા બાઇક ફંગોળાયુ હતું અને ઝાડીઓમાં પડ્યું હતું. રાતના અંધારામાં બાઇકને શોધવું મુશ્કેલ બન્યું હતું. બોલેરો કાર પણ રોડની બાજુમાં ઝાડીઓમાં પલટી મારી ગઇ હતી.

બાઈક ઉપર સવાર સંદીપ રાઠવા ઉ.વ. 30, નારસિંગભાઇ રાઠવા ઉ.વ. 58 અને નટુભાઈ રાઠવા ઉ.વ.43ને હવામાં ફંગોળ્યા હતા. જેને કારણે ત્રણે જણાંને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં બે જણાંના ઘટનાસ્થળે જ્યારે એક જણાંનું હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં મોત થયું છે.

લાશને પીએમ અર્થે ખસેડવવામાં આવી
અકસ્માતના પગલે સ્થાનિકો ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોલેરોમાં ફસાયેલ વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી હતી.

અકસ્માતની ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માતમાં મરણ જનાર ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પીએમ અર્થે ખસડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જોકે, આ ઘટનામાં બોલેરોના સવાર લોકો પણ ઘાયલ થયા છે. જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલના લઇ જવાયા હતા.

આ અંગે છોટા ઉદેપુર પોલીસે બોલેરોચાલક ઉપર અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પરંતુ અકસ્માતમાં ત્રણ મોતના પગલે મૃતકના ઘરમાં ભારે આક્રન્દ છવાઈ ગયો છે.તેમજ કમાવનાર આધારસ્તંભ ગુમાવતા તેમના પરિવારની હાલત કફોડી બની છે.